દેશમાં મે મહિનામાં મોંઘવારી દર 4.25 ટકા સાથે 25 મહિનાના નીચલા સ્તરે હોવા છતાં રિટેલ ડિઇન્ફેલ્શનની પ્રક્રિયા ધીમી અને લાંબી રહેશે તેવું આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસનું નિવેદન આશ્ચર્યજનક લાગે છે. ફુગાવો RBIના લક્ષ્યાંકની ખૂબ નજીક છે પરંતુ તેમ છતાં ગવર્નરે કહ્યું હતું કે રિઝર્વ બેન્ક માત્ર મધ્યમ સમયગાળા દરમિયાન જ ફુગાવાના લક્ષ્ય સુધી પહોંચી શકશે. તે એ માટે પણ વધુ આશ્ચર્યજનક છે કારણ કે WPI પણ મે મહિનામાં 3.48 ટકાના સ્તરે સતત બીજા મહિને ડિઇન્ફેલશન હેઠળ હતો.
જો કે, આંકડાઓ પર ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ કરવામાં આવે તો RBI ગવર્નરનું નિવેદન યોગ્ય હોવાનું જાણવા મળે છે. મે મહિનામાં જ્યાં એક તરફ છૂટક ખાદ્ય અને ઇંધણ ફુગાવો ઘટ્યો હતો ત્યારે કોર ફુગાવો મે દરમિયાન આંશિક ઘટીને 5.7% થયો હતો જે એપ્રિલ દરમિયાન 5.8 ટકા હતો. મે દરમિયાન ખાદ્ય ફુગાવો 2.91 ટકા સાથે 18 મહિનાના તળિયે હતો અને વીજળી-ઇંધણ ફુગાવો પણ 4.64 ટકા સાથે 26 મહિનાના નીચલા સ્તરે હતો. જો કે કોર ફુગાવાનો દર લગભગ 29 મહિના સુધી 5-6.5 ટકાની રેન્જ વચ્ચે રહ્યો હતો.
અહીં મુખ્ય ફુગાવાની ગણતરી ખાદ્ય ચીજવસ્તુઓ, ઈંધણને બહાર રાખીને કરવામાં આવી છે. કોર ફુગાવામાં આંશિક ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ અલનીનોની અસરને કારણે ચોમાસાને લઇને અનિશ્ચિતતા ખાદ્ય ફુગાવાને અસર કરી શકે.