રાજકોટમાં એક સર્જરીએ વિક્રમ સર્જ્યો છે અને કાપીને અલગ કરી દેવાયેલા લિંગને સર્જરી વડે ફક્ત જોડીને જ નહિ પણ ફરીથી ઉત્થાન લાયક બનાવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં યુવતી સાથેના સંબંધને લઈને યુવતીના પરિવારજનોએ એક યુવકને પકડીને તેનું લિંગ કાપીને હાથમાં આપી દેવાની ઘટના બની હતી. લિંગ કપાઈ જતા 21 વર્ષીય યુવક લોહીલુહાણ થયો હતો અને ભારે પીડા વચ્ચે પરિવારજને જાણ કરી તેમજ તુરંત જ રાજકોટમાં ડો.જિતેન્દ્ર અમલાણીને જાણ કરી હતી. તબીબોએ યુવકના પરિવારજનોને લિંગ બરફમાં રાખીને ઝડપથી પહોંચવા કહ્યું હતું.
દર્દી રાજકોટ આવે તે પહેલાં જ તબીબોની ટીમે ઓપરેશનની તમામ તૈયારી કરી નાખી હતી. યુરોકેર હોસ્પિટલમાં ડો.જિતેન્દ્ર અમલાણી, ડો.જીગેન ગોહેલ, ડો.પ્રતિક અમલાણી, ડો.ધૃતિ કલસરિયા અમલાણી તથા લોહીની નળીના પ્લાસ્ટિક સર્જન ડો.ભાયાણી, ડો.ભાલોડિયા તેમજ એનેસ્થેસિયાલોજિસ્ટ ડો.હિતેશ ભીમાણી સહિતના સ્ટેન્ડ ટુ રહ્યા હતા. દર્દી આવતાં જ ઓપરેશન શરૂ કરાયું હતું અને છ કલાક સુધી ચાલેલી સર્જરીમાં લિંગને ફરીથી શરીર સાથે જોડવામાં આવ્યું હતું અને તમામ નસો પણ જોડાઈ હતી.
સર્જરી બાદ પણ ઘણી તકેદારી રખાઈ હતી જેથી પહેલા લિંગમાંથી મૂત્ર વિસર્જનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી અને બાદમાં ઉત્થાન પણ થતા ઇંદ્રિય ફરીથી કાર્યરત થઈ હતી. તબીબોએ જણાવ્યું હતું કે, આ ઘટના 8 ઓક્ટોબરે બની હતી અને યુવકને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો હતો. લિંગ શરીરથી અલગ થયું હોય અને ફરીથી જોડીને ઉત્થાન લાયક બનાવી દેવાયું હોય તેવું આ ગુજરાતની પ્રથમ ઘટના છે. યુરોલોજિસ્ટ તેમજ એઈમ્સ રાજકોટની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય ડો.જિતેન્દ્ર અમલાણી અને તેમની ટીમના નામે આ પ્રકારની પ્રથમ સર્જરી કરવાનો વિક્રમ નોંધાયો છે.