વૈશ્વિક રેટિંગ એજન્સી S&Pએ દેશના આર્થિક વૃદ્વિદરના અંદાજને અગાઉના 7.3 ટકાથી ઘટાડીને 7 ટકા કર્યો છે. અગાઉ એજન્સીએ આગામી નાણાકીય વર્ષે (2023-24) આર્થિક વૃદ્વિદર 6.5% ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. એજન્સીએ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્લોડાઉનથી સ્થાનિક માંગને આધારિત અર્થતંત્ર પર ઓછી અસર જોવા મળશે.
S&P ગ્લોબલ રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી લુઇસ કુઇજસે જણાવ્યું હતું કે વૈશ્વિક મંદીને કારણે સ્થાનિક માંગ પર નિર્ભર એવા ભારતના અર્થતંત્ર પર ઓછી અસર થશે, જેને પરિણામે દેશનો આર્થિક વૃદ્વિદર નાણાકીય વર્ષ 2022-2023 દરમિયાન 7 ટકા રહેશે અને આગામી નાણાકીય વર્ષે તે 6 ટકા રહેશે. વર્ષ 2021માં દેશનું અર્થતંત્ર 8.5 ટકાના દરે વૃદ્વિ પામ્યું હતું. કેટલાક દેશોમાં કોવિડ બાદ હજુ પણ માંગમાં રિકવરી વધશે અને તેનાથી આગામી વર્ષે ભારતીય અર્થતંત્રને વેગ મળશે. દેશમાં ફુગાવો પણ ચાલુ નાણાકીય વર્ષે 6.8 ટકા રહેવાનો તેમજ RBI દ્વારા રેપોરેટમાં વધારો માર્ચ 2023 સુધીમાં 6.25% સુધી પહોંચશે તેવું પણ એજન્સીએ અનુમાન વ્યક્ત કર્યું હતું. કિંમતોને અંકુશમાં લાવવા માટે RBIએ પહેલાથી જ રેપો રેટમાં કુલ 1.9 ટકાનો વધારો કર્યો છે, જે સાથે રેપો રેટ અત્યારે 3 વર્ષના સર્વોચ્ચ સ્તરે 5.9 ટકા છે.
ફેબ્રુઆરીમાં રશિયા-યુક્રેન યુદ્વને કારણે સપ્લાય ચેઇનમાં અડચણને કારણે સપ્ટેમ્બર સુધી દેશમાં જથ્થાબંધ અને છૂટક મોંઘવારીનો દર ઉંચો રહ્યો હતો તેમજ ઑક્ટોબરમાં તેમાં કેટલાક અંશે રાહત જોવા મળી હતી. ગત મહિને રિટેલ અથવા CPI ફુગાવો ઘટીને 3 મહિનાના તળિયે 6.7 ટકા જ્યારે WPI ફુગાવો 19 મહિનાના નીચલા સ્તરે 8.39 ટકા નોંધાયો હતો.