કમુરતાનો આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4માં દસ્તાવેજ નોંધણી માટેનો સ્લોટ ફુલ થઇ જતા મિલકત ખરીદનારા-વેચનારાઓમાં તથા વકીલોમાં ભારે દેકારો બોલી ગયો છે અને નવા સ્લોટ ખોલવા વકીલોએ મેલ કરીને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી છે. બેથી ત્રણ દિવસમાં નવા સ્લોટ ખૂલવાની શક્યતા હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટના રેવન્યુ પ્રેક્ટિસ એસોસિએશનના સભ્ય એડવોકેટ દિલેશ શાહે જણાવ્યું હતું કે, રાજકોટ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4માં રૈયા અને મુંજકા વિસ્તારના દસ્તાવેજો થાય છે અને હાલમાં ઝોન-4માં આગામી 26-12 સુધી સ્લોટ ફુલ થઇ જતા દસ્તાવેજ નોંધણી માટે ટોકન ઉપલબ્ધ ન હોય વકીલો અને મિલકત ખરીદનારા-વેચનારાઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આથી નવા સ્લોટ ખોલવા ગઇકાલે ઇ-મેલ મારફત ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી છે.
આ મુદ્દે સબ રજિસ્ટ્રાર આઇજીઆર ચારોલે જણાવ્યું હતું કે, સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4માં સ્લોટ ફુલની ફરિયાદો મળી છે અને નવા સ્લોટ ખોલવા વડી કચેરીને રજૂઆત કરી છે. એકાદ-બે દિવસમાં આ મુદ્દે નિર્ણય લઇ લેવાય તેવી પૂરતી શક્યતા છે.
મુંજકામાં મહાનગરપાલિકાની આવાસ યોજના તથા રૈયાના ડેવલપમેન્ટને કારણે દસ્તાવેજો નોંધણીની સંખ્યામાં વધારો
વકીલ વર્તુળોએ જણાવ્યું હતું કે, સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-4 હેઠળ રૈયા અને મુંજકા વિસ્તારના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે. હાલમાં મુંજકા વિસ્તારમાં મહાનગરપાલિકાની ત્રણેક જેટલી આવાસ યોજના ચાલી રહી છે અને તેના દસ્તાવેજોની નોંધણી માટે ભારે ધસારો રહે છે. તેમજ રૈયા વિસ્તારમાં સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ ચાલુ હોવાથી ત્યાંનો ધસારો પણ ખૂબ જ રહે છે તેથી ઝોન-4માં સ્લોટ ફુલ થવાની સમસ્યા સર્જાઇ છે.