કેનેડામાં ઈમરજન્સી મેડિકલ સેવા પર સંકટ મંડરાઈ રહ્યું છે. સ્થિતિ એવી છે કે દર્દીઓએ સારવાર માટે 100થી 125 કલાક સુધી રાહ જોવી પડી રહી છે. ટ્રોમાના દર્દીઓએ પણ ચાર દિવસ વેઈટિંગ કરવું પડી રહ્યું છે. કેનેડામાં હેલ્થવર્કર્સની ભારે અછત વર્તાઈ રહી છે.
સ્થિતિ એવી છે કે પ્રાથમિક સારવારથી સાજા થનારા દર્દી પણ દેખરેખના અભાવે બીમાર થઇ રહ્યા છે. કેનેડામાં લગભગ 7,500 ડૉક્ટર-મેડિકલ સ્ટાફની અછત વર્તાઈ રહી છે. ઓન્ટારિયોના ડૉક્ટર રઘુ વેણુગોપાલ માને છે કે આ બધું રાજકીય પણ છે.
ઓન્ટોરિયોમાં 20થી વધુ ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટને કર્મચારીઓના અભાવે બંધ કર્યા બાદ પણ સ્વાસ્થ્યમંત્રી કહે છે કે આ કોઈ સંકટ નથી. આવી ટિપ્પણી જ અયોગ્ય છે. કેનેડાની મેડિકલ એસોસિયેશન(સીએમએ)એ પણ તેને રાષ્ટ્રીય સંકટ ગણાવ્યું છે.
જ્યારે પ્રાંતીય નેતાઓએ પણ આ અંગે અવાજ ઉઠાવ્યો છે. જુલાઈમાં આયોજિત મંત્રીઓના સંમેલનમાં સ્વાસ્થ્ય બજેટને વધારી 35 ટકા કરવાનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો પણ કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુુડો કહે છે કે ચાલુ વર્ષે સ્વાસ્થ્ય માટે મળનારા 3.70 લાખ કરોડ રૂ.નું સકારાત્મક પરિણામ જોવા માગીએ છીએ.