સંયુક્ત કિસાન મોરચા (બિન-રાજકીય) ના નેતા જગજીત સિંહ ડલ્લેવાલે 131 દિવસ પછી તેમના આમરણાંત ઉપવાસ સમેટી લીધા છે. તેમણે રવિવારે ફતેહગઢ સાહિબના સરહિંદ અનાજ બજારમાં કિસાન મહાપંચાયતમાં આ જાહેરાત કરી. ગઈકાલે, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ડલ્લેવાલને ભૂખ હડતાળ સમેટવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે તેઓ 4 મેના રોજ ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરશે.
મહાપંચાયતમાં ડલ્લેવાલે કહ્યું, "અરવિંદ કેજરીવાલને બચાવવા માટે, AAP સરકારે આંદોલન ખતમ કર્યું. ખેડૂતોની માંગ પર ભૂખ હડતાળ સમાપ્ત કરવામાં આવી. લાંબા સમયથી, ખેડૂતો તેમને ઉપવાસ તોડવા માટે અપીલ કરી રહ્યા હતા."
ડલ્લેવાલે 26 નવેમ્બર, 2024ના રોજ લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અને અન્ય માંગણીઓ માટે ભૂખ હડતાળ શરૂ કરી. 19 માર્ચે પંજાબ પોલીસે જગજીત સિંહ ડલ્લેવાલ, સર્વન સિંહ પંઢેર અને અન્ય ખેડૂતોની અટકાયત કરીને ખનૌરી અને શંભુ સરહદો ખાલી કરાવી હતી. પોલીસે ડલ્લેવાલને પટિયાલાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ૩ એપ્રિલના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.