સેમિકન્ડક્ટર અને અન્ય ઉત્પાદનોના પુરવઠામાં સુધારો થવાની સાથે સાથે આગામી તહેવારોમાં સારા વેચાણની અપેક્ષા સાથે, ઓટો ઉત્પાદકોએ વાહનોનું ઉત્પાદન તેમજ ડીલરોને પુરવઠો વધાર્યો છે. જ્યારે ટુ-વ્હીલર્સના જથ્થાબંધ વેચાણમાં વાર્ષિક ધોરણે 10%નો વધારો થયો છે. જુલાઈ 2021માં 2,64,442 કાર વેચાઈ હતી, જ્યારે આ વર્ષે જુલાઈમાં 2,93,865 કાર ડીલર સુધી પહોંચી છે.
જુલાઈ 2021માં 12,53,937 ટુ-વ્હીલરનું વેચાણ થયું હતું, જ્યારે જુલાઈ 2022માં તેમની સંખ્યા 13,81,303 હતી. એકંદર વાહન ઉત્પાદન પણ વાર્ષિક ધોરણે 4.71% વધ્યું છે. આ માહિતી વાહન ઉત્પાદકોની સંસ્થા સોસાયટી ઓફ ઈન્ડિયન ‘મોબાઈલ મેન્યુફેક્ચરર્સ’ (SIAM) દ્વારા બહાર પાડવામાં આવેલા નવીનતમ ડેટામાંથી પ્રાપ્ત થઈ છે. જોકે, તેમાં ટાટા મોટર્સ, BMW, મર્સિડીઝ અને વોલ્વોના આંકડા સામેલ નથી.
વૈશ્વિક સ્તરે સ્ટીલ તેમજ અન્ય કાચામાલની કિંમતોમાં પણ ઘટાડો થવાના કારણે સેક્ટરમાં મજબૂત સ્થિતી જોવા મળી છે. કાચામાલની કિંમતોના કારણે સેક્ટરમાં મોટા ભાગના ઉત્પાદકોએ સરેરાશ 5-10 ટકા સુધી ભાવ વધારો આપ્યો છે જો કે હવે ભાવમાં વધારો થવાની સંભાવના નહિંવત્ છે. દેશમાં હવે તહેવારોની સિઝન શરૂ થઇ રહી છે ત્યારે ઓટો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે નવા-નવા અત્યાધુનિક ફિચર્સ સાથે મોડલ રજૂ કરી રહ્યાં છે.
પેટ્રોલ-ડિઝલની કિંમતો પણ સ્થિર થઇ ચૂકી હોવાથી તેનો પણ ફાયદો સેક્ટરને મળશે. દેશમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો ગ્રોથ ઝડપી રહ્યો છે. સ્થાનિક-આંતરરાષ્ટ્રીય કંપનીઓ પણ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદન અને વેચાણને વેગ આપવા માટે પ્રયાસ સાધી રહી છે. ટ્રેન્ડ ઇલેક્ટ્રિક વાહનોનો છે પરંતુ જ્યાં સુધી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ નહીં આપવામાં આવે ત્યાં સુધી વેગ નહીં મળે.