દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહ-6માં 25 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડશે. આ દીકરીઓ લગ્ન કરી પોતાના ઘર સંસારમાં સુખી રહે તે માટે ‘જીવનનું મેઘધનુષ’નું આયોજન કરાયું હતું. જેમાં સાસુ-સસરાની સેવા કરવાની સાથે ગૃહસંસાર સુખી બનાવવાની શીખ આપવામાં આવી હતી. સમૂહલગ્ન આગામી 17 ડિસેમ્બરે વિશ્વા પાર્ટી પ્લોટ મુંજકા ખાતે યોજાશે.
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહ 6માં પ્રભુતામાં પગલાં પાડનારી 25 વહાલુડી દીકરીનો ગૃહસંસાર સુખી બની રહે, પોતાના ઘરને નંદનવન બનાવે, પોતાના સાસુ-સસરાની પોતાના માતા-પિતા સમજી સેવા કરે તેવા શુભાશયથી સમૃદ્ધ કરિયાવરની સાથે સારા વિચારો સંસ્કારોનું પણ ભાથું મળે તે માટે દીકરી ‘જીવનનું મેઘધનુષ’ વિષય પર વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટ નગરના જાણીતા યુવા લેખક વક્તા ઉદઘોષક કલાકાર હર્ષલ માંકડે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ સેમિનારનું દીપ પ્રાગટ્ય વહાલુડીના વિવાહ 6ના મુખ્ય યજમાન અને જાણીતા ઉદ્યોગપતિ મનસુખભાઇ પાણ અને શોભનાબેન પાણે કર્યું હતું. તદુપરાંત કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, કિરીટભાઈ પટેલ અને હરેશભાઇ પરસાણા ઉપસ્થિત રહ્યા હતા.