રાજકોટ ઇન્કમટેક્સ દ્વારા ગત સપ્તાહે બિલ્ડરોને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તેની સ્થળ તપાસ તો પૂરી થઈ ગઈ છે પરંતુ હવે દસ્તાવેજોની ચકાસણી શરૂ કરી છે જેમાં વેપારીઓ, ઉદ્યોગપતિનું રોકાણ ખુલ્યું છે. ડિજિટલ વ્યવહારો ખોલવા માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના નિષ્ણાતોની મદદ લેવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યાનુસાર જેમના પણ રોકાણ ખુલ્યા છે એમના રિટર્ન, ટેક્સ તેમજ ધંધાકીય વ્યવહારની ચકાસણી થશે. આ માટે નોટિસ પણ અપાશે. અત્યાર સુધીમાં 20 લોકર સીલ કર્યા છે. દસ્તાવેજોની ચકાસણી બાદ બેક લોકર ખોલાશે. બિલ્ડરો અને ઉદ્યોગપતિના લોકર એક કરતાં વધુ બેંકોમાં છે. ટેક્સચોરીના મૂળ સુધી પહોંચવા માટે કાચા માલની ખરીદી ક્યાંથી થતી હતી, કેવી રીતે કરવામાં આવતી હતી વગેરે બાબતોની પણ ચકાસણી કરવામાં આવશે. બિલ્ડરોના વ્યવહાર રાજ્યવ્યાપી હોવાનું ખુલ્યું છે.
દિલીપ લાડાણી, દાનુભા, અર્જુન જાડેજા, વિનેશ પટેલ, નિલેશ જાગાણીના રહેણાક, ધંધાકીય, ઓફિસ, ગોડાઉન, સાઇટ સહિત કુલ 30થી વધુ સ્થળે તપાસ કરી હતી. ઇન્કમટેક્સ તપાસમાં પ્રાથમિક તબક્કે રૂપિયા 400 કરોડના વ્યવહાર પકડાયા છે. જીએસટી ચોરીની પણ સંભાવના છે.સમગ્ર રિપોર્ટ જીએસટી ડિપાર્ટમેન્ટને પણ સોંપવામાં આવ્યો છે. આથી હવે જીએસટીની ટીમ તપાસ હાથ ધરશે.