દક્ષિણ ફિલિપાઇન્સમાં માનોબો સ્વદેશી સમાજના પ્રમુખ મેરિટ્સ બબંટોને હજુ પણ 2012નો એ સમય યાદ છે જ્યારે ‘બોફા’ વાવાઝોડાએ આખા દેશમાં તબાહી મચાવી હતી. લાખો લોકો બેઘર થયા અને બે હજારથી વધુ લોકો માર્યા ગયા હતાં. જ્યાં બબંટો રહે છે ત્યાં વરસાદના કારણે નદીઓ, તળાવોનું સ્તર 33 ફૂટ (આશરે ત્રણ માળની ઈમારત જેટલી ઊંચાઈ) સુધી વધી ગયું હતું. આમ છતાં તેમના કે તેમના સમાજને ભારે નુક્સાનનો સામનો નથી કરવો પડ્યો. તેનું કારણ સરળ પરંપરાગત રીતે બનેલાં તેમનાં ઘર છે, જે આ ઘરોને પૂરની સ્થિતિમાં ડૂબવાને બદલે તરવામાં સક્ષમ બનાવે છે. વાંસ અને બાલ્સાના લાકડાંમાંથી બનેલાં પ્લટફોર્મ પર આ એક કે બે માળનાં ઘર હોય છે. ઘરને સ્થિર રાખવા માટે પ્લેટફોર્મને દોરડાઓ અને ઝાડના વેલાઓનો ઉપયોગ કરીને અહીં બંગકલનાં વૃક્ષો સાથે બાંધવામાં આવે છે. પ્લેટફોર્મનું મુખ્ય માળખું વાંસ કે બંગકલના લાકડાંમાંથી બનેલું હોય છે. દીવાલો અને છત સામાન્ય રીતે રતન કે તાડનાં પાંદડાંને એકજૂટ કરીને બનાવવામાં આવે છે.
ફિલિપાઇન્સના યુનેસ્કો રાષ્ટ્રીય આયોગના મહાસચિવ ઇવાન હેનરેસનું કહેવું છે કે પર્યાવરણ વિશે જાગૃતિ અને તેના સ્વદેશી જ્ઞાન તેમજ રિવાજોમાં વિશ્વાસે સાથે મળીને મનોબો સમાજને લાંબા સમયથી તેના અસ્તિત્વને ટકાવી રાખવામાં મદદ કરી છે. જળ-વાયુ પરિવર્તનથી વાવાઝોડાં અને પૂરની વધતી આશંકાએ તરતાં ઘરોની આ પ્રાચીન તકનીકના પ્રાચીન લાભો પ્રત્યે દુનિયાભરના શોધકર્તાઓની રુચિ વધારી છે.