રાજકોટ શહેરમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા 35 જેટલા વકીલના ખાતામાંથી ગત ઓગસ્ટ માસમાં ઓટીપી વગર નાણાં ઉપડી જતા ભારે દેકારો બોલી ગયો હતો અને આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બે ગઠિયાઓને રાજસ્થાનથી દબોચી લીધા હતા અને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
રાજકોટના રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતા એડવોકેટ ભાવિનભાઇ મગનભાઇ મોરડિયા (ઉ.વ.44)એ ગત ઓગસ્ટ માસમાં સાયબર ક્રાઇમ પોલીસમાં ઠગાઇની ફરિયાદ કરતા તેના પરથી ગુનો નોંધાયો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ભાવિનભાઇ સહિત કુલ 35 જેટલા વકીલોના ખાતામાંથી રૂ.3,12,485 ઉપડી ગયા હતા અને એકપણ વકીલને ઓટીપી પણ ન આવ્યો હોવા છતાં નાણાં ખાતામાંથી ઉપડી ગયાનું ફરિયાદમાં જણાવ્યું હતું. જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી.
સાયબર ક્રાઇમ એસીપી વિશાલ રબારી, પીઆઇ કે.જે.મકવાણા અને તેમની ટીમે ગુનાનો ભેદ ઉકેલવા ટેક્નિકલ એનાલિસિસ શરૂ કરતા પગેરું છેક રાજસ્થાનના બિકાનેર સુધી પહોંચ્યું હતું. જેના આધારે પોલીસે કૈલાસ કાનારામ ઉપાધ્યાય (ઉ.વ.25, રે.શનિ મંદિર પાસે, પૂગલ રોડ,સબ્જી મંડી પાછળ, બિકાનેર) અને મનોજ રાજુરામ કુમ્હાર (ઉ.વ.30, રે.603-ડી, પુરાના શિવમંદિર, વોર્ડ નં.2, બલગાનગર, બિકાનેર)ને ઝડપી લીધા હતા.