ભારતીય અર્થતંત્રમાં ઓટોમોટીવ સેક્ટર ઝડપી વૃદ્ધિ દર્શાવતાં ક્ષેત્રોમાંનું એક બની રહ્યું છે. આર્થિક ઉદારીકરણની શરૂઆતથી અત્યાર સુધીની વાત કરીએ તો ભારતના જીડીપીમાં ઓટોમોટીવ સેક્ટરનો હિસ્સો લગભગ અઢી ગણો વધ્યો છે. 1992માં માત્ર 2.8 ટકા હિસ્સા સામે ફેબ્રુઆરી-2023માં ઓટોમોટીવ સેક્ટરનો હિસ્સો જીડીપીના 7.1 ટકા પર નોંધાયો હતો એમ એસબીઆઈ મ્યુચ્યુલ ફંડના ડીએડી અને જોઈન્ટ સીઈઓ ડીપી સિંઘ જણાવે છે.
ઓટોમોટીવ સેક્ટરની ઝડપી વૃદ્ધિને કારણે સ્થાનિક વેચાણના સંદર્ભમાં વૈશ્વિક સ્તરે ભારત ચોથા ક્રમનું સૌથી મોટું ઓટોમોબાઈલ માર્કેટ પણ બન્યું છે. ઓટોમોબાઈલ ઉત્પાદનની રીતે ભારત વિશ્વમાં ત્રીજો ક્રમ ધરાવે છે. જ્યારે મેન્યૂફેક્ચરિંગ GDPમાં ઓટોમોબાઈલ 45 ટકાથી વધુ હિસ્સો દર્શાવે છે. સિંઘના મતે વધતી આવક, શહેરીકરણ પાછળ ઓટો વેચાણને વેગ મળી રહ્યો છે.
ભારતમાં હજુ પણ ઓટો ક્ષેત્ર ઊંચી વૃદ્ધિની તકો ધરાવે છે. કેમકે, પ્રતિ 1000 વ્યક્તિ કાર્સનું પ્રમાણ ભારતમાં માત્ર 34 જેટલું છે. જે વૈશ્વિક સ્તરે ખૂબ નીચું છે. જેમકે, યુએસ ખાતે 1000 વ્યક્તિ દિઠ 860 કાર્સ છે. ઈટાલીમાં 756 કાર્સ, ફ્રાન્સમાં 704 કાર્સ, યૂકેમાં 632 કાર્સ, જર્મનીમાં 583 કાર્સ છે. જ્યારે એશિયન હરીફોની વાત કરીએ તો જાપાન 1000 વ્યક્તિ દીઠ 612 કાર્સ જ્યારે ચીન 223 કાર્સ ધરાવે છે. ઓટોમોટીવ કોમ્પોનેન્ટ મેન્યૂ. એસો.ના મતે 2015-16માં 39.05 અબજ ડોલર પરથી ઓટો કંપોનેન્ટ ઉદ્યોગનું ટર્નઓવર વધીને 2022-23માં 69.70 અબજ ડોલર પર પહોંચ્યું હતું.