સાબરમતી રેલવે સ્ટેશનના જેલ રોડ અને ધર્મનગર સ્ટેશન વચ્ચે યાર્ડ એરિયામાં બુલેટ ટ્રેન માટેના સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન માટે આ સાબરમતી સ્ટેશન એ ટર્મિનલ સ્ટેશન હોવાથી તેની નજીકમાં જ લોકોને એક જ જગ્યાએથી ટ્રેન, મેટ્રો, બીઆરટીએસ સહિત અન્ય ખાનગી વાહનોની કનેક્ટિવિટી મળી રહે તે માટે નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર કરાયું છે. મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ સમિટ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવી શક્યતા છે.
બિલ્ડિંગમાં હોટેલ, રેસ્ટોરાં, બુક સ્ટોલ, ગાર્ડન સહિત અન્ય સુવિધા હશે. બિલ્ડિંગના ત્રીજા માળે પેસેન્જરો બેસી શકે તે માટે કોન્કોર એરિયા છે જ્યાં પેસેન્જરો બેસીને ચા-નાસ્તો કરી શકશે અને ત્યાંથી જ બુલેટ ટ્રેન સ્ટેશન, રેલવે સ્ટેશન કે મેટ્રો સ્ટેશને સીધા જઈ શકશે. જ્યારે એ બ્લોકમાં કોન્કોર એરિયાની ઉપર વધુ 6 માળ છે, જેમાં વેઈટિંગ રૂમ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, ઓફિસો શરૂ કરાશે. જ્યારે બ્લોક બીમાં હોટેલ રૂમ, બેન્ક્વેટ હોલ, કોન્ફરન્સ રૂમ, સ્વિમિંગ પૂલ, રેસ્ટોરાં હશે.