ભારતીય નૌકાદળની ઇન્ટેલિજન્સ વિંગ સાથે સંયુક્ત રીતે મકરાન કિનારેથી આ મધરશિપ જહાજ અંગેની ગુપ્ત માહિતી મેળવીને તેની હિલચાલ પર છેલ્લા દોઢ મહિનાથી સતત નજર રખાઈ રહી હતી. એકવાર તેના સંભવિત માર્ગની ઓળખ થયા પછી ભારતીય એજન્સીઓ હરકતમાં આવી ગઈ અને પછી તેની બધી જ વિગતો ભારતીય નૌકાદળની સાથે શેર કરવામાં આવી હતી.
મધરશિપ જહાજના સંભવિત માર્ગની આસપાસમાં જ ભારતીય નૌકાદળનું એક જહાજ તૈનાત કરી દેવાયું હતું. ડ્રગ્સને લઈ જતું આ વિશાળ જહાજ દેખાતાની સાથે જ તેને અટકાવી દેવામાં આવ્યું અને અંદર તપાસ કરતાં 134 બોરીઓ મળી હતી. આ બોરીઓમાં 2500 કિલો મેથામ્ફેટામાઈન નામના ડ્રગ્સનો જથ્થો હતો.
આ ડ્રગ્સ આટલી મોટી માત્રામાં પ્રથમવાર ઝડપાયું
આટલા મોટા પ્રમાણમાં આ ડ્રગ્સ જોઈને નૌકાદળના અધિકારીઓની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. કારણ કે, સમગ્ર દેશમાં આ ડ્રગ્સ આટલી મોટી માત્રામાં પ્રથમવાર ઝડપાયું હતું. મેથામ્ફેટામાઈન ભરેલી 134 બોરીઓ જપ્ત કરવામાં આવી ત્યારે તે સ્પીડ બોટ પર એક શંકાસ્પદ પાકિસ્તાનની નાગરિકનો કબજો હતો. આથી, તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ આ બોટ ડ્રગ્સ અને પાકિસ્તાની નાગરિક સહિતનાને કોચીનના મટ્ટનચેરી વ્હાર્ફ ખાતે લઈ જવામાં આવ્યા હતા.