કેરળનું સૌથી મોટું સબરીમાલા મંદિર બે મહિના માટે ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. જંગલ અને પહાડી વિસ્તારમાં આવેલા આ મંદિરમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી રહી છે. જેના કારણે ભક્તોને દર્શન માટે 20 કલાકથી વધુ રાહ જોવી પડે છે. શનિવારે દર્શન માટે કતારમાં ઊભેલી તમિલનાડુની 11 વર્ષની બાળકીનું હૃદયરોગથી મૃત્યુ થયું હતું. મંદિર પ્રશાસનની અયોગ્ય વ્યવસ્થા જવાબદાર છે.
મંદિરમાં માત્ર 60 હજાર લોકો જ દર્શન કરી શકશે. આ માટે રજિસ્ટ્રેશન પણ જરૂરી છે પરંતુ અહીં તો દરરોજ 1 લાખથી વધુ લોકો આવી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે હજારો લોકો દર્શન માટે રાહ જોઈને રસ્તાઓ પર અને જંગલમાં પડાવ નાખીને રાત પસાર કરવા મજબૂર બન્યા છે.
કેરળના મંદિર બાબતોના પ્રધાન કે. રાધાકૃષ્ણન અને ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના પ્રમુખ પી.એસ. પ્રશાંતે ભાસ્કરને જણાવ્યું હતું કે મંદિરમાં ભીડ ઘટાડવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં 10 હજારનો ઘટાડો કર્યો છે. લોકો બેરિકેડ તોડી તેમજ જંગલમાંથી શોર્ટકટ લઈ મંદિરમાં પહોંચી રહ્યા છે, જેથી ભીડ બેકાબૂ બની છે. કેરળ ઉપરાંત પડોશી રાજ્યોમાંથી પણ ભારે ભીડ મંદિરમાં ઉમટી રહી છે. સૂત્રોનું કહેવું છે કે 25 હજાર લોકો નિયત રૂટને બદલે જંગલના માર્ગો દ્વારા પહોંચી રહ્યા છે.
હજારો લોકો નોંધણી વગર આવ્યા, કોર્ટ તપાસના આદેશ આપશે
ભક્તોએ કોર્ટમાં અરજી કરી ફરિયાદ કરી છે કે નોંધણી કરાવ્યા વગર 5થી 10 હજાર લોકો મંદિરમાં પહોંચી રહ્યા છે. તેના પર કેરળ હાઈકોર્ટે કહ્યું કે ભીડને જોતા તીર્થસ્થળ પર ટ્રાફિક વ્યવસ્થાની તપાસ માટે 12 સભ્યોની ટીમ બનાવવાનું વિચારી રહી છે. વ્યવસ્થાની ચકાસણી કરાશે.