બ્રિટનમાં હજારો ભારતીય નર્સોને દેશવાપસીનો સામનો કરવો પડી શકે છે. તેનું કારણ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક સરકારની નીતિઓ છે. આ મુશ્કેલી બનાવટી કંપનીઓના લીધે સર્જાઈ છે, જેમને સુનક સરકારે યોગ્ય ચકાસણી કર્યા વિના વિદેશથી આવતી નર્સોને નોકરી પર રાખવાની મંજૂરી આપી હતી. વાસ્તવમાં મોટી રકમ વસૂલ કરી કર્મચારીઓને વિઝા સ્પોન્સર કરનાર આ કંપનીઓ સામે તાજેતરમાં પ્રસાશન દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મોટાભાગની કંપનીઓ નકલી હોવાનું પુરવાર થયું હતું. આ મામલે સરકારે કંપનીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે, જેથી નર્સોના ભવિષ્ય પર સંકટ સર્જાયું છે. લગભગ 7 હજાર નર્સો પર અસર પડશે. તેમાંથી ભારતમાં સૌથી વધુ 4,100 છે. તમામને દેશમાં પાછા ફરવાની ફરજ પડશે.
મહારાષ્ટ્રની ઝૈનબ કોન્ટ્રાક્ટર (22) બે બાળકોની માતા છે. તેણે અને તેના ભાઈ ઈસ્માઈલ (25)એ વિઝા સ્પોન્સરશિપ માટે બ્રિટનની કંપનીને 18 લાખ રૂપિયા ચૂકવ્યાં હતા. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે કંપની નકલી છે. સરકારી અધિકારીઓએ ભાઈ-બહેનને જણાવ્યું હતું કે, જે કંપનીએ તેમના વિઝાને સ્પોન્સર કર્યા હતા તેનું લાઇસન્સ છીનવી લેવામાં આવ્યું છે. જે બાદ અધિકારીઓએ તેમને 60 દિવસમાં સ્પોન્સર અથવા અન્ય કંપની શોધવા માટે કહ્યું છે નહીંતર તેમણે બ્રિટન છોડવું પડશે. જોકે કોઈ કંપની સ્પોન્સર માટે તૈયાર થઈ નહીં. આ સિવાય એક 32 વર્ષીય મહિલા જેણે બ્રિટન જવા માટે શિક્ષકની નોકરી છોડી દીધી હતી અને તેના પતિએ જમીન તેમજ કાર ડીલરશીપનો વ્યવસાય વેચ્યો હતો. તેમણે પણ ભારત વાપસીનો ડર સતાવી રહ્યો છે.