સંસદ પર આતંકી હુમલાના 22 વર્ષ બાદ ફરી એકવાર સુરક્ષામાં ચૂક થઈ છે. લોકસભામાં બે યુવકોએ વિઝિટર ગેલેરીમાંથી કૂદીને પીળો ધુમાડો ઉડાવવાનું શરૂ કર્યું હતું. સુરક્ષાનો ભંગ કરનાર બે લોકોને પહેલા સાંસદોએ માર માર્યો અને પછી પોલીસને હવાલે કર્યો.
અત્યાર સુધીની તપાસમાં આ સિક્યોરિટી બ્રેકના 6 પાત્રો સામે આવ્યા છે. બેએ ગૃહની અંદર હોબાળો કર્યો, બે લોકોએ ગૃહની બહાર પ્રદર્શન કર્યું. ચારેય પોલીસ કસ્ટડીમાં છે.
આયોજનમાં વધુ બે લોકો સામેલ હતા, જેમાંથી એકે પોતાના ઘરમાં બધાની રહેવાની વ્યવસ્થા કરી હતી. પોલીસે તેને તેની પત્ની સહિત કસ્ટડીમાં લીધો છે. એક હજુ ફરાર છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે સાગર શર્મા યુપીના લખનઉનો રહેવાસી છે. ડી મનોરંજન કર્ણાટકના મૈસુરનો છે. સંસદની બહાર પકડાયેલી નીલમ હરિયાણાના હિસારની છે. ચોથો આરોપી અમોલ શિંદે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. સાગર શર્મા અને ડી મનોરંજન લોકસભામાં વિઝિટર ગેલેરીમાં બેઠા હતા. તેમને બીજેપી સાંસદ પ્રતાપ સિંહાના કાર્યાલયમાંથી જારી કરાયેલા પાસ પર એન્ટ્રી મળી હતી.
દિલ્હી પોલીસનું કહેવું છે કે આ બધા એકબીજાને ઓનલાઈન મળ્યા હતા. બધાએ સાથે મળીને સંસદમાં હંગામો કરવાની યોજના બનાવી. પોલીસનું કહેવું છે કે અત્યાર સુધી કોઈ પુરાવા મળ્યા નથી કે આ બધી ઘટનાઓ આતંકવાદી જૂથ દ્વારા ઉશ્કેરવામાં આવી હતી.
પોલીસે સાગર શર્મા અને ડી મનોરંજનના આધાર કાર્ડ સહિત અન્ય માહિતી શેર કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ધરપકડ કરાયેલી નીલમ 42 વર્ષની છે અને વ્યવસાયે ટીચર છે અને સિવિલ સર્વિસનો પણ અભ્યાસ કરી રહી છે.