જામનગરના સચાણા ખાતે શિપબ્રેકીંગ ઉદ્યોગ પુન: શરૂ થયો છે. મંદીના માહોલમાં અલંગ ખાતે જહાજોની આવક ઘટી છે ત્યારે સંચાણા ખાતે પણ પુન: શિપબ્રેકીંગ યાર્ડ શરૂ થતા અલંગની હરીફાઈ વધશે. 11 વર્ષની કાનુની લડાઇ અને અડચણો બાદ સચાણા શિપ બ્રેકિંગ યાર્ડ ધમધમતુ થયુ છે, અને 11 વર્ષ બાદ પ્રથમ જહાજ ગુરૂવારે સચાણાના પ્લોટ નં.17માં બીચ કરાવવામાં આવ્યુ છે.
વર્ષ 2011-12માં સચાણા ખાતે 18 શિપ બ્રેકિંગ પ્લોટમાં કુલ 38 જહાજ ભંગાયા હતા. અને ત્યારબાદ ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી) અને વન-પર્યાવરણ વિભાગ વચ્ચે મરિન નેશનલ પાર્ક, રાષ્ટ્રીય અભિયારણ્ય અંગે વિવાદ સર્જાતા શિપ બ્રેકિંગ વ્યવસાય બંધ કરાવવામાં આવ્યો હતો.
હાઇકોર્ટે વર્ષ 2020માં શિપ બ્રેકિંગ વ્યવસાય સચાણા ખાતે પુન: શરૂ કરવા માટે અનુમતિ આપી હતી અને વર્ષ 2013ના શિપ બ્રેકિંગ કોડ મુજબ કામગીરી કરવા માટેના આદેશ આપ્યા હતા.
સચાણા શિપ બ્રેકિંગ એસોસિઅશેનના પ્રમુખ ફિરોઝખાન બલોચના જણાવ્યા પ્રમાણે, અહીં શિપ રીસાયકલિંગ માટે સરકારની સહાયતાથી હોંગકોંગ કન્વેન્શન મુજબની સવલતો ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ વ્યવસાય પુન: ધમધમતો થવાથી 18 પ્લોટ થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 20,000 લોકોને રોજગારી મળી રહેશે. હોસ્પિટલ, તાલીમ કેન્દ્ર સહિતની કાર્યવાહી પણ ગતિમાં છે.