મુસાફરો તેમજ લોકોની સલામતી અને સેફ્ટી અંતર્ગત ભારતીય રેલવે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ટ્રેનની અવરજવર પર ચોક્કસ નિયંત્રણ સુનિશ્ચિત કરવા તેમજ માનવીય ભૂલની શક્યતાને દૂર કરવાના ભાગરૂપે પશ્ચિમ રેલવેમાં આવતા 320 સ્ટેશનને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યા છે.
પશ્ચિમ રેલવેમાં આવતા રાજકોટ ડિવિઝને પણ 50 સ્ટેશન પર આ સિસ્ટમને લાગુ કરી દેવામાં આવી છે અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમને કાર્યરત કરી દેવાઇ છે. ભારતીય રેલવે મુસાફરોની સલામતી અને સેફ્ટી માટેની સુવિધાઓ માટે હંમેશા અગ્રેસર રહે છે. ત્યારે ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવતા સુરક્ષા પર મોટી અસર જોવા મળી છે. એટલું જ નહિ ટ્રેનોની સ્પીડને વધારવામાં પણ સફળતા મળી છે. આ સિસ્ટમથી વિરોધાભાસી માર્ગો, ખોટા સિગ્નલ અથવા માનવ ભૂલને કારણે થતા અકસ્માતોનું જોખમ પણ ઘટ્યું છે. રાજકોટ ડિવિઝને તબક્કાવાર રીતે તમામ ઇલેક્ટ્રિકલ સિગ્નલિંગ ઇન્સ્ટોલેશનને નવી કમ્પ્યૂટર સાથે જોડી ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમથી બદલી રહ્યું છે. રાજકોટ ડિવિઝનમાં 56 ઇન્ટરલોક સ્ટેશનનો સમાવેશ થાય છે. તે પૈકી 50 સ્ટેશનને યુનિવર્સલ ફેલ સેફ બ્લોક ઇન્સ્ટ્રુમેન્ટ સાથે કમ્પ્યૂટર આધારિત ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ સિસ્ટમ જોડવામાં આવ્યું છે.