મની લોન્ડરીંગનો કેસ હોવાની ધમકી આપીને કેસમાં ફીટ કરવાની ધમકી આપીને છેતરપિંડી આચરતી ગેંગ દ્વારા શહેરના પ્રહલાદનગરમાં રહેતા નિવૃત અધિકારીને ટારગેટ કરીને રૂપિયા 41 લાખની છેતરપિંડી કરવામાં આવી હોવાની ફરિયાદ અમદાવાદ સાયબર ક્રાઇમમાં નોંધવામાં આવી છે. સ્કાયપીથી વ્યક્તિને વીડિયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટ કરવાની ધમકી આપીને તેની પાસે રહેલા 30 લાખ રૂપિયાના શેર વેચીને નાણાં પડાવી લીધા હતા. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.
પ્રહલાદનગરમાં રહેતા નિવૃત અધિકારીને ચાઇનીઝ ગેંગ દ્વારા ટારગેટ કરાયા પોલીસ કાર્યવાહીથી બચવા બચતના નાણાંમાંથી ખરીદેલા શેર પણ વેચી દીધા હતા. શહેરના પ્રહલાદનગરમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ-5 એપાર્ટમેન્ટમાં રહેતા 58 વર્ષીય શ્રેણીક વૈષ્ણવ હાલ નિવૃત જીવન પસાર કરે છે. ગત 18મી એપ્રિલના રોજ તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ મુંબઇ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રદીપ સાંવત તરીકે ઓળખ આપીને કહ્યું હતું કે, મુંબઇના મહમંદ ઇકબાલ મલેક નામના વ્યક્તિએ તમારા આધાર કાર્ડથી 24 બેંક એકાઉન્ટ ખોલીને ગેરકાયદે ટ્રાન્જેક્શન કર્યા છે.
બાદમાં ધમકી આપી હતી કે, જો પોલીસને સહકાર નહીં આપો તો તમારા ઘરે પોલીસ આવીને કાર્યવાહી કરશે. જેથી ગભરાઇને શ્રેણીકભાઇએ મદદ કરવાની ખાતરી આપી હતી. તે પછી અન્ય બે અધિકારીઓએ 45 મિનિટ સુધી પુછપરછ કરીને કહ્યું હતું કે, તમારા કેસની તપાસ પુરી ન થાય ત્યાં સુધી તમારો ફોન સર્વલન્સમાં છે. જેથી કોઇને જાણ કરવાની નથી. જો તેમ કરશો તો તમારા વિરૂદ્વ આકરી કાર્યવાહી થશે. આ ધમકીથી શ્રેણીકભાઇ વધુ ડરી ગયા હતા અને ગઠિયાઓના કહેવા મુજબ ફોનને એરોપ્લેન મોડ પર રાખીને વાઇફાઇથી કનેક્ટ કરાવ્યો હતો. આ દરમિયાન સ્કાયપીથી કોલ કરીને અન્ય વ્યક્તિએ વીડિયો કોલ કરીને પોલીસનું આઇડી મોકલી આપીને વિશ્વાસ કેળવ્યો હતો.