ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા વિવિધ માર્ગમાં થતાં અકસ્માત અને મોતના ડેટાબેઝનો અભ્યાસ કરાયો હતો. 1 મે 2022થી 31 ઓક્ટોબર 2023 સુધી 17 મહિના દરમિયાન સ્ટેટ હાઇવે 41 પરના મહેસાણાથી બ્રાહ્મણવાડા વચ્ચે 48 જેટલાં ગંભીર માર્ગ અકસ્માતોમાં 56 વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાનું બહાર આવ્યું હતું.
માર્ગ પરની ભાન્ડુ બસ સ્ટેશન નજીક હાઇવે પર અને બ્રાહ્મણવાડા ચેકપોસ્ટ સહિતની 6 જગ્યાઓને વહીવટી તંત્રે બ્લેક સ્પોટ તરીકે જાહેર કરતાં અકસ્માત અને મોત પ્રમાણ ઘટાડવા કરેલા સુધારા બાદ પાછળના ત્રણ મહિનામાં માત્ર ત્રણ જ અકસ્માત અને તેમાં 3 મોત થયા હોવાનો દાવો તંત્ર દ્વારા કરાયો છે.
56 લોકોમાં 19 રાહદારીઓનો સમાવેશ થાય છે. તંત્રે આ રોડ પરની જગ્યાઓને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરાયા બાદ 30 જૂન અને 1 જુલાઈ એમ બે દિવસ રોડ સેફ્ટી કમિટીના પોલીસ આરટીઓ અને સ્ટેટ હાઇવેના અધિકારીઓ દ્વારા જ્યાં સૌથી વધુ અકસ્માત થતા હતા ત્યાં મુલાકાત કરીને તેવી જગ્યાઓ ઉપર રોડ એન્જિનિયરિંગ ને લગતાં સુધારા સૂચવ્યા હતા.
રોડ સેફ્ટીના અભ્યાસમાં માર્ગ 6 લાઈન હોવાથી મોટાભાગના અકસ્માતો ઓવર સ્પીડને કારણે થયા હોવાના બહાર આવ્યું હતું. જેને પરિણામે છેલ્લા પાંચ મહિના દરમિયાન આરટીઓ દ્વારા સ્પિડ લિમિટનો ભંગ કરતાં 550 વાહનચાલકોને તેમજ પોલીસ દ્વારા 3959 ચલણ થકી લાખોનો દંડ ભરાવાયો હતો.તે સિવાય પણ સેફ્ટી કમિટી દ્વારા અન્ય વિવિધ સુધારા કરીને સુરક્ષાના પગલાં લેવાતાં આ રોડ પર ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ત્રણ જ અકસ્માત અને તેમાં 3ના મોત થયા હોઇ મોતના પ્રમાણમાં ખૂબ જ મોટો ઘટાડો નોંધાયો હોવાનો ખુલાસો કલેકટરના અધ્યક્ષ સ્થાને મળેલી રોડ સેફ્ટી બેઠકમાં કરાયો હતો.