રાજકોટ સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદને કારણે રોગચાળાએ માઝા મૂકી છે અને તેમાં પણ મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર પણ નિષ્ફળ રહ્યાનું ચિત્ર ઉપસી રહ્યું છે. શહેરમાં ભાઇના ઘેર આવેલા 15 વર્ષીય સગીર અને રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પરિણીતાનું ડેન્ગ્યુથી મોત નીપજતા હાહાકાર મચી ગયો છે.
જાણવા મળતી વિગતો મુજબ ઉત્તરપ્રદેશમાં રહેતો સાકેન્દ્ર અશરફી સોનકર નામના 15 વર્ષીય સગીર રાજકોટ રહીને મજૂરીકામ કરતા તેના મોટા ભાઇના ઘેર ફરવા આવ્યો હતો. દરમિયાનમાં ગત ગુરુવારે સાકેન્દ્રને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા હતા. જેનો શનિવારે આવેલા રિપોર્ટમાં ડેન્ગ્યુ પોઝિટિવ આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં જેતપુરના કાગવડ ગામે રહેતા રંજનબેન અક્ષયભાઇ રિબડિયા(ઉ.વ.24) નામના પરિણીતાને છ દિવસથી ડેન્ગ્યુ થતા પ્રથમ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાના લગ્નને છ વર્ષ થયાનું અને તેમના નિધનથી તેમના પુત્રએ માતાની છત્રછાયા ગુમાવી છે.