પાંચ નવેમ્બરે આયોજિત અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જોરદાર ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રવાદી કાર્ડથી રાજકીય ફાયદો મળી રહ્યો છે. ટ્રમ્પ 10 દિવસમાં બાજી પલટતા 7 મહત્ત્વનાં રાજ્યોમાંથી 4માં હવે ડેમોક્રેટિક ઉમેદવાર કમલા હેરિસની બરાબરી પર આવી ગયા છે. રસપ્રદ છે કે 10 દિવસ પહેલાં ટ્રમ્પ આ તમામ 7 રાજ્યોમાં કમલા હેરિસ કરતાં પાછળ હતા. હવે કમલા માત્ર ત્રણ રાજ્યોમાં જ આગળ છે. ટ્રમ્પે હવે પોતાના કેમ્પેનને માગા (મેક અમેરિકા ગ્રેટ અગેન)ની આસપાસ જ રાખ્યું છે. પોતાની તમામ સભામાં ટ્રમ્પ રાષ્ટ્રવાદી મુદ્દાને ઉછાળી રહ્યા છે. અમેરિકાનાં 7 મહત્ત્વપૂર્ણ રાજ્યો રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારના નસીબનો નિર્ણય કરે છે. જેમાં જીતનાર રાષ્ટ્રપતિ બને છે.
ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હવે મોટી સભાઓ પર જોર આપી રહી છે. આ પહેલાં ટ્રમ્પ નાની સભાઓ કરી રહ્યા હતા. ટ્રમ્પ પોતાના ગૃહ જિલ્લા ફ્લોરિડામાં અપાર જનસમર્થન બાદ હવે પૂરા દેશમાં આગામી 60 દિવસ દરમિયાન 120 મોટી સભા કરશે. , ટ્રમ્પ સતત કમલા હેરિસને કમ્યુનિસ્ટ બતાવીને અમેરિકન મિડલ ક્લાસને પોતાની તરફ ખેંચી રહ્યા છે. ટ્રમ્પ મિડલ ક્લાસને વધુ ટેક્સનો ખતરો બતાવે છે. તેમનો દાવ સફળ થઇ રહ્યો છે.