રશિયાની સાથે યુદ્વ દરમિયાન પશ્વિમી દેશોમાં હીરો બનેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેન્સકીની અમેરિકન યાત્રા કડી સુરક્ષા હેઠળ છે. રશિયા સાથે યુદ્વ બાદ જેલેન્સકીની આ પહેલી વિદેશ યાત્રા છે. અમેરિકાએ તેમની આ યાત્રાને ખૂબ જ મહત્વની માનતા સુરક્ષા પ્રદાન કરી છે. તેમની યાત્રાના કાર્યક્રમને લઇને પણ ગોપનીયતા રખાઇ હતી.
11 ડિસેમ્બરે બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે વાતચીત થઇ હતી. ત્રણ દિવસ બાદ તેમને આમંત્રણ મળ્યું. બુધવારે સવારે પ્રવાસની પુષ્ટિ થતા જ સમગ્ર કાર્યક્રમને ગોપનીય ઢંગથી બનાવાયો. યુક્રેનના આકાશ પર રશિયન મિસાઇલોના હુમલાના ખતરાને જોતા તેમની વોશિંગ્ટન સુધીની યાત્રા ટ્રેનથી શરૂ થઇ. રાતભર યાત્રા કરીને પોલેન્ડ પહોંચ્યા.
બુધવારે પોલેન્ડના સીમાવર્તી કસબાના રેલવે સ્ટેશન પર દેખાયા. અહીં કારનો કાફલો તેમની પ્રતિક્ષા કરી રહ્યો હતો. જેલેન્સકી અને તેમની ટીમ કારમાં બેસીને રવાના થઇ. ત્યારબાદનો ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે આ સ્થળથી 80 કિલોમીટર દૂર અમેરિકી વાયુ સેનાનું બોઇંગ સી-40 બીએ ઉડાન ભરી. તેના નોર્થ સીમાં પહોંચતા પહેલા સમગ્ર વિસ્તારના નાટોના જાસૂસી વિમાનથી સ્કેન કરવામાં આવ્યો હતો.
ઇંગ્લેન્ડના એક બેઝથી અમેરિકી એફ-15 ફાઇટર પ્લેને ઉડાન ભરી અને તે વોશિંગ્ટન સુધી જેલેન્સકીના વિમાન સાથે રહ્યું. ઉડાનના 10 કલાક બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ બપોરે વોશિંગ્ટનમાં ઉતર્યા હતા જ્યાં તેમને બીજા રાષ્ટ્ર પ્રમુખોની માફક સુરક્ષા અપાઇ હતી.