લોકસભામાં 3 નવા ક્રિમિનલ બિલ પાસ કરવામાં આવ્યા છે. હવે એને રાજ્યસભામાં મોકલવામાં આવશે. ત્યાંથી પસાર થયા બાદ એને રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે.
આ અંગે રજૂઆત કરતાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- બ્રિટિશયુગનો રાજદ્રોહ કાયદો નાબૂદ કરવામાં આવ્યો છે. સગીર પર બળાત્કાર અને મોબ લિંચિંગ જેવા ગુના માટે મૃત્યુદંડ આપવામાં આવશે.
સશસ્ત્ર બળવો કરવા અને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ જેલ
રાજદ્રોહને બદલે મેં તેને દેશદ્રોહમાં બદલ્યો છે, કારણ કે હવે દેશ આઝાદ થઈ ગયો છે, લોકશાહી દેશમાં કોઈપણ વ્યક્તિ સરકારની ટીકા કરી શકે છે. આ તેમનો અધિકાર છે. જો કોઈ દેશની સુરક્ષા અથવા સંપત્તિને નુકસાન પહોંચાડવા માટે કંઈ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
જો કોઈ સશસ્ત્ર વિરોધ કે બોમ્બવિસ્ફોટ કરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેને મુક્ત થવાનો કોઈ અધિકાર નથી, તેને જેલમાં જવું પડશે. કેટલાક લોકો એને પોતાના શબ્દોમાં તૈયાર કરવાનો પ્રયાસ કરશે, પરંતુ કૃપા કરીને મેં જે કહ્યું એ સમજો. જે કોઈ દેશનો વિરોધ કરશે તેને જેલમાં જવું પડશે.
અમારું વચન હતું કે અમે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ કરીશું. અગાઉ આનો કોઈ ઉલ્લેખ નહોતો, જ્યાં તેઓ (કોંગ્રેસ) સત્તામાં હતી ત્યારે લોકો સામે UAPA કાયદો લાદવામાં આવ્યો નહોતો.
દેશના કાયદામાં આતંકવાદને રોકવા માટે કોઈ જોગવાઈઓ ન હતી, સંસદમાં બેઠેલા લોકો એને માનવ અધિકાર ગણાવીને એનો વિરોધ કરતા હતા. જ્યારે આતંકવાદ માનવ અધિકાર વિરુદ્ધ છે.