અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કરનાર તાલિબાન ચિત્રાલ નદી પર બંધ અથવા તો ડેમ બનાવવા ઇચ્છુક છે. બંધ બનાવવામાં ભારતીય કંપનીની મદદ લેવામાં આવી રહી છે તેવી જાહેરાત તાલિબાન શાસને કરી છે. બંધ બનવાથી 45 મેગાવોટની વીજળી બનશે અને 34000 હેક્ટર ક્ષેત્રમાં સિંચાઇ કરી શકાશે. આ જાહેરાત બાદ પાકિસ્તાનની ઉંઘ હરામ થઇ ગઇ છે.
બલૂચિસ્તાનના માહિતી મંત્રી જાન અચકજઇએ ચેતવણી આપી છે કે જો પાકિસ્તાનને સામેલ કર્યા વગર તાલિબાન આ બંધ બનાવવાની દિશામાં આગળ વધશે તો આને બંને દેશો વચ્ચે જંગની શરૂઆતના પ્રથમ પગલા તરીકે જોવામાં આવશે. પાકિસ્તાનની આ ધમકી માટે મોટુ કારણ એ છે કે જો તાલિબાન યોજનામાં સફળ રહેશે તો ખેબરપખ્તુનખ્વાના 20 લાખ લોકોને પાણી મળવુ મુશ્કેલ બનશે.
પાક.ની પીડા : પાણી ઓછંુ મળશે તો ખેતી અને બીજી યોજનાઓ પર અસર
કુનારને ચિત્રાલ નદીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ નદી 480 કિલોમીટર લાંબી નદી છે. આ નદી ખેબર પખ્તુનખ્વાથી નીકળીને ઉત્તરીય પાકિસ્તાન અને પૂર્વીય અફઘાનિસ્તાનથી પસાર થઇને આગળ વધે છે. તેનુ સ્ત્રોત હિન્દુ કુશ પર્વતના દક્ષિણમાં સ્થિત છે. દક્ષિણ તરફ વહેતી નદી આખરે અફઘાનિસ્તાનના નંગરહાર રાજ્યમાં જઇને કાબુલ નદીમાં મળી જાય છે. આ નદી ખેબર ખીણની નજીક જલાલાબાદથી ફરી પાકિસ્તાનમાં વહે છે. કુનાર નદી કાબુલ નદીની સહાયક નદી છે. કાબુલ નદી પોતે સિન્ધુ નદીની સહાયક નદી છે.
ધમકી : કુનારની દિશા પાકિસ્તાન બદલી શકે
એક જળ નિષ્ણાંતે કહ્યું છે કે પાકિસ્તાન કુનાર નદીની દિશાને બદલી દેવાની ક્ષમતા ધરાવે છે. કાબુલ નદીનો કુલ પ્રવાહ 21000 મિલિયન ક્યુબિક મીટર છે. કાબુલ નદીમાં મળનાર કુનાર 15000 મિલિયન ક્યુબિક મીટર જળ લાવે છે, તે પાક.થી નિકળે છે. કુનારના પ્રવાહને ખેબરમાં પંજકોરોના નદી તરફ વાળી શકાય છે.