રાજકોટમાં 31St ડિસેમ્બરને લઈને પોલીસ કમિશ્નરની હાજરીમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરનાં કોટેચા ચોક ખાતે બ્રેથ એનેલાઈઝરની મદદથી શંકાસ્પદ લોકોનું ચેકીંગ કરાયું હતું. આ તકે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે મીડિયાનાં માધ્યમથી લોકોને નવા વર્ષ 2024ની શુભેચ્છાઓ પાઠવી હતી. અને જણાવ્યું હતું કે, લોકોએ શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની શરૂઆત કરી છે. આખું વર્ષ આવી રીતે નિકળે તેવી આશા રાખું છું. આ તકે લોકોએ ઠેર-ઠેર ફટાકડા ફોડી નવા વર્ષની ઉજવણી કરી હતી.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવનાં જણાવ્યા મુજબ બધા રાજકોટનાં લોકોને નવા વર્ષની ખૂબ-ખૂબ શુભકામનાઓ આપું છું. અપેક્ષા રાખીએ કે નવું વર્ષ બધા લોકો માટે ખૂબ શુભ રહે અને બધા સ્વસ્થ રહે. લોકોની તમામ અપેક્ષાઓ પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ રાજકોટ શહેર પોલીસ વતી હું બધાને આપું છું. હાલમાં પણ પોલીસ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં નશાની હાલતમાં કેટલા લોકો ઝડપાયા તેના આંકડાઓ હજુ મારી પાસે આવ્યા નથી. પરંતુ એકંદરે લોકોએ શાંતિપૂર્ણ રીતે નવા વર્ષની ઉજવણી કરી છે. 2024નું વર્ષ આવી જ રીતે શાંતિપૂર્ણ પસાર થાય તેવી આશા રાખું છું.