વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ તેમજ સોશિયલ મીડિયાનો દુરુપયોગ થતો અટકે તે માટે રાજકોટ સાયબર ક્રાઇમ સતર્ક બની છે. ચૂંટણી સંદર્ભે સાયબર ક્રાઇમ દ્વારા ખાસ કરી કોઈ ખોટી અફવાઓ, ખોટા મેસેજ તેમજ ખોટા સમાચાર વાઇરલ ન થાય તે માટે સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખવામાં આવી રહી છે. આ માટે કંટ્રોલ રૂમ પર ખાસ વોચ ગોઠવવામાં આવી રહી છે. જેમાં એક PSI અને 5 કોન્સ્ટેબલ રાઉન્ડ ધ ક્લોક મોનિટરીંગ કરી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ આચાર સંહિતા અમલમાં આવી ચૂકી છે. સોશિયલ મીડિયાના આ યુગમાં લોકો કોઈ પણ સમાચાર કે પોસ્ટનું તથ્ય જાણ્યા વિના પોસ્ટ વાઇરલ ન કરે તે માટે સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. આજનો યુવા વર્ગ ઉત્સાહમાં આવીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ડોહળાઇ તેવા ફેક મેસેજ અન્ય ગ્રુપમાં ફોરવર્ડ ન કરે તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઇ છે અને સતત 24 કલાક પોલીસ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ પર બાઝ નજર રાખી રહી છે.