ગાંધી વિચારસરણી ધરાવતા સામાજિક આગેવાનોની એક અગત્યની મિટિંગ માજી મંત્રી જયંતીભાઇ કાલરિયાના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી અને મહાત્મા ગાંધી વિચારો અને ગાંધી મૂલ્યો આજે પણ સ્તુત્ય છે એવું સ્વીકારી મુખ્યમંત્રીને સંબોધીને લખેલું એક આવેદનપત્ર એડિશનલ કલેક્ટરને પાઠવાયું હતું અને તેમાં ગિફ્ટ સિટીમાં દારૂબંધીમાં અપાયેલી છૂટછાટ અંગે પુનર્વિચાર કરવા રજૂઆત કરી હતી.
આવેદનમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી હળવી કરવામાં આવી છે જે સમાચાર સાંભળીને ગાંધી વિચારસરણી ધરાવતા લોકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. જો ગિફ્ટ સિટીમાં કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવામાં આવશે તો ગુજરાતની હરણફાળ પ્રગતિમાં અને પ્રવર્તી રહેલી શાંતિમાં ખલેલ પડી શકે છે તેમજ આપણું યુવાધન પણ આવી બદીમાં ફસડાઇ પડે તેવી શક્યતા રહેલી છે તેવું અમારું દૃઢ પણે માનવું છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અનિવાર્ય છે તેવું અમે માનીએ છીએ. તો ગિફ્ટ સિટીમાં દારૂબંધી જે હળવી કરવામાં આવેલી છે તે બાબતે યોગ્ય ફેરવિચારણા કરી ગિફ્ટ સિટી સહિત સમગ્ર ગુજરાતમાં દારૂબંધી યથાવત્ રાખવા અમારી ભલામણ છે.