આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ખોડલધામના રાસોત્સવમાં હાજરી આપતા રાજકીય માહોલ ગરમ થઇ ગયો હતો, આ ચર્ચા હજુ તાજી જ છે ત્યાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલે ખોડલધામ જઇને નરેશ પટેલ સાથે બેઠક કરતા અનેક તર્કવિતર્ક શરૂ થયા હતા. આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અચાનક જ ખોડલધામ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મંદિરે માથું ટેકવ્યું હતું, મંદિરે દર્શન બાદ અનાર પટેલ અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ વચ્ચે બેઠક પણ થઇ હતી.
આ અંગે ખોડલધામના સૂત્રોએ જણાવ્યું હતું કે, નવરાત્રિ ચાલી રહી હોય અનાર પટેલ માતાજીના દર્શને આવ્યા હતા તેમની મુલાકાતનો કોઇ રાજકીય અર્થ નહોતો અને આવી કોઇ ચર્ચા પણ થઇ નહોતી. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને શનિવારે રાજકોટમાં ખોડલધામના રાસોત્સવ અને કડવા પટેલ સમાજ આયોજિત યુવી ક્લબના રાસોત્સવમાં હાજરી આપી હતી.