અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીપ્રચાર આક્રમક થતાંની સાથે જ ઘણાં રોચક પાસાં પણ સામે આવી રહ્યાં છે. ગત મહિને 13 જુલાઈના રોજ પેન્સિલ્વેનિમાં રેલી દરમિયાન જીવલેણ હુમલાથી માંડ બચેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કદ તેમના સમર્થકોની નજરમાં વધી ગયું છે. ટ્રમ્પના સમર્થકોનું માનવું છે કે ભગવાને ટ્રમ્પને નહીં પરંતુ અમેરિકાને ગોળીથી બચાવ્યું છે. હુમલા બાદ ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે ભગવાને ટ્રમ્પને કોઈ સારા કામ માટે બચાવ્યા છે. કોઈ ઉદ્દેશ્યને પાર પાડવા માટે બચાવ્યા છે. ઘણાનું માનવું છે કે જો ટ્રમ્પ જીતશે તો દેશને ધર્મ તરફ લઈ જશે, દેશને ધાર્મિક બનાવશે.
અમેરિકામાં રાજકારણ અને ધર્મ વચ્ચે સ્પષ્ટ સીમા છે, પરંતુ હવે ટ્રમ્પના ઘણા કાર્યક્રમો અને રેલીઓની શરૂઆત પણ પ્રાર્થનાથી થાય છે. વધુમાં ઘણા ટ્રમ્પના સમર્થકો માને છે કે જો તેઓ જીતશે તો તે અમેરિકામાં ખ્રિસ્તી ધર્મને વધુ મજબૂત કરશે.