રિટેલ રોકાણકારો ઝડપી અને ત્વરિત નફો મેળવવાની લ્હાયમાં ફ્યૂચર્સ અને ઓપ્શન્સ (F&O) સેગમેન્ટમાં જોખમી રીતે રમે છે જે ચિંતાની બાબત હોવાનું મુખ્ય આર્થિક સલાહકાર વી અનંથ નાગેશ્વરને જણાવ્યું હતું. સેબી અને NISM દ્વારા સંયુક્તપણે આયોજિત કોન્ફરન્સને સંબોધિત કરતા નાગેશ્વરને જણાવ્યું હતું કે ટકાઉ મૂડી નિર્માણ અને અને ટકાઉ આર્થિક વૃદ્ધિ માટે સૌથી મોટો ખતરો ટૂંકા ગાળામાં નફો રળી લેવાનું વલણ છે.
સતત વિકસતા અર્થતંત્રમાં મૂડીની વધતી જરૂરિયાત વચ્ચે કોર્પોરેટ જૂથોને બેન્કોને પ્રમોટ કરવા માટે મંજૂરી આપવા અંગે ચર્ચા વચ્ચે નાગેશ્વરને જણાવ્યું હતું કે ભારતીય કંપનીઓએ કોર્પોરેટ ગવર્નન્સ પ્રેક્ટિસ પર વધુ ફોકસ કરવાની જરૂરિયાત છે. તેમણે ઉમેર્યું હતું કે તે જોવું વધુ નવાઇ પમાડે તેવું છે કે ઊંડો આધ્યાત્મિક વારસો તેમજ શાણપણ ધરાવતો દેશ ખોટી દિશામાં જીવી રહ્યો છે.
નાગેશ્વરને નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે સેબીનો પોતાનો અભ્યાસ દર્શાવે છે કે જોખમી સેગમેન્ટમાં 90% સોદા રોકાણકારોને નુકસાન પહોંચાડે છે છતાં લોકો F&O વોલ્યૂમમાં ગ્રોથનો ઉલ્લેખ કરી રહ્યા છે. લાંબા ગાળે મૂડીનું સર્જન કરવા તેમજ વૃદ્ધિ માટે ખાસ કરીને દૃષ્ટિકોણથી તેના દેખાવમાં ફેરફાર કરવાની જરૂરિયાત જણાઇ રહી છે. જ્યારે નિયામકની વાત આવે છે ત્યારે શેરધારકોમાં અલગ વલણ જોવા મળે છે. શેરધારકો અનેકવાર નિયામકો દ્વારા અપાતી ચેતવણી અને વાતને નજરઅંદાજ કરે છે. અહીં નિયામક દ્વારા મુખ્ય ફોકસ એ હોય છે કે આપણા વૃદ્ધિદર, માર્કેટ વેલ્યૂએશનના આંકડાઓથી ત્વરિત અંજાવવાને બદલે લાંબા ગાળા અંગે વિચારીને નિર્ણય લેવામાં આવે.