મહત્ત્વાકાંક્ષી માતા-પિતાની છત્રછાયા હેઠળનાં બાળકોના વ્યક્તિત્વનો વિકાસ ઓછો હોય છે. આવા બાળકો પોતાનાં માતા-પિતાની લોકપ્રિયતા હેઠળ દબાયેલાં રહે છે. આ જ સ્થિતિ જેમનાં માતા-પિતા પ્રભાવશાળી છે તેમની પણ છે. એક રિસર્ચમાં આ ખુલાસો થયો છે. અમેરિકામાં ફ્લોરિડાના મનોવિજ્ઞાની એમી મોરિનના મતે દરેક બાળકો માતા-પિતાથી પ્રભાવિત હોય છે.
સેલિબ્રિટીનાં બાળકોને જલદી જ ખબર પડી જાય છે કે તેમનો ઉછેર કોઇ ઉદ્દેશ્યથી થઇ રહ્યો છે. એવામાં બાળકો વધુ પ્રેમ અને ધ્યાન મેળવવા માટે પોતાના વ્યક્તિગત વ્યવહારને માતા-પિતા સામે વ્યક્ત કરી શકતાં નથી. મનોવિજ્ઞાની એલેક્સ લેફના અભિપ્રાય અનુસાર મોટા ભાગે બાળકોને પોતાનું કોઇ જ અલગ વ્યક્તિત્વ ન હોવાનું લાગે છે. મહત્ત્વાકાંક્ષી માતા-પિતાનાં બાળકોને અપેક્ષા પ્રમાણે ખરું ન ઉતરવાનો ડર પણ સતાવે છે. જે બાળકો માતા-પિતાના વ્યક્તિત્વ અને અપેક્ષાઓની નીચે દબાયેલાં હોય છે તેઓને ભવિષ્યમાં વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
જોબલિસ્ટ નામની સંસ્થાએ 2021માં કરેલા સરવેમાં જાણ્યું કે 65% લોકોએ પોતાનાં માતા-પિતાના કહેવા પર કારકિર્દીની પસંદગી કરી હતી. માતા-પિતાના પડછાયામાંથી બહાર નીકળવા માટે બાળકો મોટા ભાગે તે માપદંડને જ તોડી દે છે જેને માતા-પિતા સફળતા માને છે. તેઓ પોતાનું જ વ્યક્તિત્વ શોધવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારનાં માતા-પિતા પોતાનાં બાળકના વ્યક્તિત્વને વધુ નિખારી શકે તે માટે સંવાદ સ્થાપિત કરે તે જરૂરી છે.