મણિપુરમાં તાજેતરમાં થયેલાં રમખાણો પાછળનું મૂળ કારણ કુકી બહુમત ધરાવતા પર્વતીય વિસ્તારમાં અફીણનાં ખેતર છે. આ ખેતરોમાં પાક લગભગ તૈયાર થવા આવ્યો છે. આ માટે ચીન, કુકી, મિઝો, જોમી આદિવાસી એક બાજુ છે અને બીજી તરફ મેઈતેઈ છે. ગત વર્ષે 3 મેથી રમખાણો ફાટી નીકળવાનું કારણ પણ આ અફીણના ખેતર જ હતાં. રમખાણો ઘટવા લાગ્યાં ત્યારે રાજ્ય સરકારે 18,644 હૅક્ટર વિસ્તારમાં થયેલો અફીણના પાકનો નાશ કરી નખાવ્યો હતો. એ સમયે રાજ્યમાં 50 હજાર જવાન હતા એટલે વિરોધ થયો નહોતો પરંતુ હવે અંદાજે 30 હજાર જવાન તૈનાત છે. દરમિયાન લાગ જોઈને ચીન-કુકી 85% પાક વેચવાની વેતરણમાં છે. તેમાં મ્યાનમારથી આવેલા લોકોએ પહેલાં એ લોકોની મદદ કરી હતી પરંતુ હવે પોતે જ પાક ઝૂંટવી લેવાની વેતરણમાં છે.
નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મ્યાનમારના કુકી લોકોએ મણિપુર સરહદે ચીનલૅન્ડ ક્ષેત્ર વસાવ્યું છે. મ્યાનમારની સેના જ્યારે હુમલો કરે ત્યારે કુકી ભાગીને મોરેહની આસપાસ સંતાઈ જાય છે. અફીણ વિરુદ્ધ આંદોલન કરી રહેલા સંગઠન એમએપીસીના મતે ગત જાન્યુઆરીમાં અમે સરકારને જણાવ્યું હતું કે અફીણની ખેતી ભીષણ હુમલા કરાવી શકે છે. અત્યારે એ જ સ્થિતિ છે. છેલ્લા થોડા દિવસોના હુમલા સ્થાનિક કુકી લોકો ખેતરો છોડીને જતા રહે એ માટે એમને ડરાવવા માટે કરાયા હતા.
સર્ચ શરૂ થાય તે પહેલાં મ્યાનમારના લોકો સરહદ પાર કરી શકે એ માટે રાત્રે કે મળસ્કે હુમલા કરાયા હતા. છેલ્લે 8 મેએ નાર્કોટિક્સ વિભાગે ઇમ્ફાલ પૂર્વમાંથી અફીણનાં બીજ અને મ્યાનમારનું ચલણી નાણું જપ્ત કર્યું હતું. ત્યાર પછીથી હિંસક ઘટનાઓ એકદમ વધી ગઈ છે. અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. આ હુમલાઓ અંગે મુખ્યમંત્રીનું કહેવું છે કે ઉગ્રવાદીઓ વિરુદ્ધ હવે નિર્ણાયક જંગ શરૂ કરી રહ્યા છીએ. તાજેતરના હુમલા પછી કુકી નેશનલ આર્મી-બર્માનો હાથ હોઈ શકે છે.