આપણી ભારતીય આર્ય સનાતન સંસ્કૃતિ વસુધૈવ કુટુમ્બકમને અનુસરે છે. ભારતીય સંસ્કૃતિમાં ગાય રાષ્ટ્રની કૃષિ, અર્થકારણ અને અધ્યાત્મની આધારશિલા ગણી તેનું પૂજન કરવામાં આવે છે. ત્યારે યુવાપેઢીને ભારતીય ગૌ સંસ્કૃતિ તરફ વાળવાનો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ અને નાના બાળકો અત્યારથી જ ગૌ સંસ્કૃતિનું મહત્ત્વ સમજે અને આજીવન તેઓ તેનું અનુસરણ કરે તે માટે એક અનોખો પ્રયાસ શ્રીજી ગૌશાળા દ્વારા કરવામાં આવ્યો છે.
ગૌ સંસર્ગથી વંચિત આજની પેઢીને ઉચ્ચ આરોગ્ય, તંદુરસ્તી અને દીર્ઘાયુષ્યનું વરદાન પ્રાપ્ત થાય તે માટે શ્રીજી ગૌશાળામાં કાઉ-હગિંગ ડેની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવાનો, બાળકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન સહિત 2 હજારથી વધુ લોકો જોડાઇ ગાય માતાને ભેટી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમયાંતરે શ્રીજી ગૌશાળા દ્વારા વિદ્યાર્થીઓ અને યુવાઓને ગૌ સંસ્કૃતિ વિશે સમજ આપવામાં આવે છે.