રાજકોટ એઈમ્સ સારવારને બદલે વિવાદ માટે કુખ્યાત બની છે. કેમ્પસની અંદર જ યુવકને સાપ કરડ્યો પણ ત્યાં જ તેને યોગ્ય સારવાર મળી ન હતી અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવો પડ્યો હતો.
રાજકોટ એઈમ્સના જન ઔષધિ સ્ટોરમાં પાર્ટટાઈમ નોકરી કરતાં ફાર્મસીના વિદ્યાર્થી અરમાન જેઠવા 28મીએ રાત્રે 10 વાગ્યે મેડિકલ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા. આ દરમિયાન દવા લેવા જતાં તેના ડબ્બા પાછળ છુપાયેલા સાપે તેને દંશ માર્યો હતો. પહેલાં તો તેને ખ્યાલ ન આવ્યો અને ફરી હાથ નાખ્યો એટલે બીજા બે દંશ માર્યા અને સાપે હાથમાં જ દાંત દબાવી દીધા હતા.
જેથી અરમાને સાપને દૂર ફેંકી મદદ માટે ભાગ્યો હતો. આ સ્થિતિમાં તે ઈમર્જન્સી વિભાગમાં પહોંચ્યો હતો અને તેણે પોતાના બે મિત્રને પણ ફોન કરી માહિતી આપી હતી. અરમાનને ત્યાં ઈન્જેક્શન આપવાના હતા પણ વધુ જથ્થો ન હોવાનો દાવો કરાયો હતો. ત્યારે મેડિકલ સ્ટોરના સંચાલક પહોંચ્યા હતા અને સ્ટોરમાંથી ઈન્જેક્શન મગાવીને આપ્યા હતા.
દરમિયાન અરમાન બેશુદ્ધ થયો હતો પણ ત્યાં ઓક્સિજન કે અન્ય વ્યવસ્થા ન હતી. અરમાનના મિત્રો ત્યાં પહોંચ્યા તો સારવાર યોગ્ય ન થતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવા વાહન બોલાવ્યું હતું જ્યાં બે દિવસની સારવાર બાદ અરમાન જોખમ મુક્ત હોવાનું પરિવારે જણાવ્યું છે.