શહેરની ભાગોળે કુવાડવા રોડ પરના ગુંદાળા ગામની સીમમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસે મૃતક યુવતીની અોળખ કરી બે શકમંદને ઉઠાવી લીધા હતા. યુવતીએ પ્રેમલગ્ન કર્યા બાદ અન્ય યુવક સાથે તેના સંબંધો બંધાયા હતા અને તે પ્રેમીએ કોઇ કારણસર પિતા સાથે મળી પ્રેમિકાનું કાસળ કાઢી નાખ્યાની શંકા સેવાઇ રહી છે. ગુંદાળા ગામની સીમમાં લાશ પડી હોવાની શનિવારે જાણ થતાં એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી. યુવતીને પડખામાં, પેટમાં, ગુદામાં છરીના ઘા ઝીંકાયા હતા અને ક્રૂરતાથી છરીના ઘા ઝીંકવામાં આવ્યા હોય આંતરડું બહાર આવી ગયું હતું.પોલીસે લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી.
મૃતક યુવતીના ડાબા હાથની કલાઇ પર રૂપેશ અંગ્રેજીમાં અને દિલ ત્રોફાવેલું હતું. પોલીસે તેના આધારે તપાસ કરતા મૃતક ગાંધીગ્રામમાં રામાપીર ચોકડી પાસે રહેતા પરિવારની 25થી 30 વર્ષની વયની પુત્રી ભાવના હોવાનું ખુલ્યું હતું. ભાવનાએ રૂપેશ નિમાવત સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન બાદ ભાવના રૂપેશ સાથે કોઇ સ્થળે રહેતી હતી. બાદમાં ભાવનાને અન્ય એક યુવક સાથે સંબંધ કેળવાયા હતા અને પતિ રૂપેશને પણ છોડી દીધો હતો. ભાવનાને નવા પ્રેમી સાથે કોઇ મુદ્દે માથાકૂટ થતાં પ્રેમીએ તેના પિતા સાથે મળી યુવતીનું કાસળ કાઢી નાખ્યાની પ્રાથમિક માહિતી મળતાં પોલીસે શકમંદ પિતા પુત્રને ઉઠાવી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી સાચી હકીકત જાણવાની તજવીજ શરૂ કરી હતી.