કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે. તેમાં બંધારણીય અંતરાયોને કારણે કોઈ મોટી જાહેરાત નહીં થાય પરંતુ વિશ્વની ત્રીજી અર્થવ્યવસ્થા બનવા માટે ‘મોદીની ગેરંટી’ તરીકે સરકાર ત્રીજી ટર્મનું વિઝન જાહેર કરી શકે છે.
બજેટમાં નાણા મંત્રી આઠમા વેતન પંચનો સંકેત આપી શકે છે. જોકે આ મુદ્દે સરકાર પહેલાં ઇનકાર કરી ચૂકી છે. આવો કોઈ પ્રસ્તાવ વિચારાધીન ન હોવાનું કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ ગત જુલાઈમાં રાજ્યસભામાં કહ્યું હતું.
બંધારણીય અંતરાયો : મોટી જાહેરાતો શક્ય નથી
1. આઠમું વેતનપંચ 10 વર્ષ પછી રચાશે... આઠમા વેતનપંચનો લાભ કેન્દ્રના 48.67 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સને મળશે. બેઝિક સેલેરીમાં 3 ગણો વધારો થઈ શકે છે. ફિટમેન્ટ ફૅક્ટર પણ વધશે. એ પહેલાં 28 ફેબ્રુઆરી, 2014એ યુપીએ સરકારે 7મા વેતનપંચની રચના કરી હતી. 2016માં કેન્દ્રએ તેને લાગુ કર્યું હતું. ત્યાર પછી 13 રાજ્યમાં તેની ભલામણો લાગુ કરાઈ છે.
2. મહિલાઓ માટે અનેક બચત-લોન યોજનાઓ... સરકાર મહિલાઓ માટે બચત પર વધુ વ્યાજદર, વ્યાવસાયિક મહિલાઓને સસ્તા દરે લોન, ટેક્સ સ્લેબનો વ્યાપ વધારવા તથા મહિલા કર્મચારીઓની સંખ્યા 30%થી વધુ રાખનારી કંપનીઓને રાહત આફવાનો સંકેત આપી શકે છે.
3. ખેડૂત સન્માન નિધિનો વ્યાપ-રકમમાં વૃદ્ધિ... ખેડૂત સન્માન નિધિનો વ્યાપ અને રકમ વધારવાનો સંકેત. ફ્રેમવર્ક તૈયાર છે.
4. મૂડીગત ખર્ચમાં 18% સુધી વધારો... કૅપિટલ ખર્ચ 15-18% વધારવાનો સંકેત. આર્થિક પ્રવૃત્તિઓ વધારવામાં મદદ મળશે.