રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળા માટે યાંત્રિક રાઇડસના પ્લોટ અને આઇસ્ક્રિમના ચોકઠાની હરાજી સતત ત્રીજી વખત નિષ્ફળ રહ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા રાઇડ્સ સંચાલકો અને વેપારીઓને વધુ એક તક આપવા સોમવારે સાંજે છેલ્લી વખત હરાજી રાખવાની જાહેરાત કરી છે ત્યારે બીજીબાજુ રાઇડ્સના સંચાલકો ન આવતા હોય તો મેળો ફિક્કો પડી જશે અને રૂ.5 લાખ ખર્ચ્યા બાદ પણ લોકો નહીં આવે તો ધંધો નહીં થાય તેવી ભીતિ વ્યક્ત કરી આઇસ્ક્રિમના વેપારીઓએ પોતાની ડિપોઝિટ પરત માંગી છે.
લોકમેળામાં યાંત્રિક રાઇડ્સના સંચાલકો દ્વારા સતત ત્રીજી વખત હરાજીમાં ભાગ નહીં લઇ જો નિયમો હળવા નહીં કરાય તો મેળાનો બહિષ્કાર કરાશે તેમ જણાવી થોડા નિયમો તમે હળવા કરો અને થોડા ઘણે અંશે અમે બાંધછોડ કરીએ તેવી ઓફર તંત્રને કરી હતી. પરંતુ વહીવટી તંત્રે રાજ્ય સરકારની એસઓપીનું ફરજિયાત કડકપણે કોઇપણ જાતની બાંધછોડ વગર જ પાલન કરવામાં આવશે તેમ મક્કમતાથી જણાવી દેવામાં આવ્યું હતું.