શહેરના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં પોલીસે શનિવારે મનપાના ચીફ ફાયર ઓફિસર ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ઠેબા સહિત ત્રણની ધરપકડ કરી હતી, રવિવારે બંને ફાયર ઓફિસરને બે દિવસના રિમાન્ડ પર લીધા હતા, જ્યારે વેલ્ડિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર શખ્સને જેલહવાલે કરવામાં આવ્યો હતો, બંને ફાયર અોફિસરે રાજકીય ઇશારે અથવા તો આર્થિક લાભ લઇને ગેમ ઝોનની ફાયર સેફ્ટિ મુદ્ે આંખ મીચામણા કર્યાની પોલીસને દ્દઢ શંકા છે.
અગ્નિકાંડમાં શનિવારે પોલીસે મનપાના ચીફ ફાયર ઓફિસર ઇલેશ વાલા ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા જીવા ઠેબા અને ગેમ ઝોનમાં વેલ્ડિંગનો કોન્ટ્રાક્ટ રાખનાર મહેશ અમૃત રાઠોડની પોલીસે ધરપકડ કરી હતી, દુર્ઘટના વખતે મહેશ રાઠોડ પોતાના શ્રમિક સાથે ગેમ ઝોનમાં વેલ્ડિંગનું કામ કરી રહ્યો હતો અને અગ્નિકાંડમાં તેના હાથ દાઝી ગયા હતા, પોલીસે તેના રિમાન્ડ નહીં માગતા તે જેલહવાલે થયો હતો.
ફાયર ઓફિસરો ખેર અને ઠેબાની રિમાન્ડની માગ સાથે પોલીસે કહ્યું હતું કે, બંને ફાયર ઓફિસર છે અને કાયદાના જાણકાર હોવાથી પોલીસને તપાસમાં સહકાર આપી રહ્યા નથી, બંને શખ્સોઅે ગેમ ઝોનમાં ફાયર સેફ્ટિના મુદ્દે કોઇ તપાસ કરી નથી અને ગેમ ઝોનના સંચાલકો સામે આ અંગે કોઇ કાર્યવાહી કરી નહોતી, આ માટે બંને ઓફિસરે કોઇ વ્યક્તિના દબાણથી કે ગેમ ઝોનના સંચાલકો પાસેથી પૈસા પડાવીને ફાયર સેફ્ટિના મુદ્દે કોઇ કાર્યવાહી નહી કર્યાની શંકા છે અને આ મુદ્દે તપાસ કરવી આવશ્યક છે, અગાઉ ધરપકડ પામેલા લોકોએ આપેલા નિવેદન બાબતે પણ બંનેની પૂછપરછ કરવાની છે, આ ઉપરાંત આ બંને અધિકારી ગેમ ઝોનના સંચાલકોના સીધા સંપર્કમાં હતા કે અન્ય કોઇ વ્યક્તિના માધ્યમથી સંપર્કમાં પણ હોવાની શંકા હોય વિવિધ મુદ્દે તપાસ માટે બંનેના રિમાન્ડ જરૂરી છે.