રાજકોટ એસટી વિભાગને મકરસંક્રાંતિ ફળી હોય તેમ 2 દિવસમાં સવા કરોડની આવક થઈ હતી. એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો પણ દોડાવવામાં આવી હતી. રાજકોટ એસટી વિભાગની 1,000 બસો 2 દિવસમાં દોડી હતી. જેમાં એક્સ્ટ્રા 10 બસોનો પણ સમાવેશ થાય છે.
2 દિવસમાં રૂ.1.25 કરોડ જેટલી આવક
રાજકોટ એસટી વિભાગનાં વિભાગીય નિયામક જે. બી. કલોતરાએ જણાવ્યુ હતું કે, મકરસંક્રાંતિ પર્વને લઈને રાજકોટ વિભાગ દ્વારા 10 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. 2 દિવસમાં રાજકોટથી અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ભૂજ સહિતના જિલ્લામાં જતી 1,000 જેટલી બસો દોડાવવામાં આવી હતી. જેના થકી રૂ.1.25 કરોડ જેટલી આવક થઈ છે.
14 ડેપો ઉપર ચિક્કાર ટ્રાફિક જોવા મળ્યો
મકરસંક્રાંતિના તહેવારમાં રાજકોટિયન્સ હરવા-ફરવા નીકળી પડયા હતા. જે માટે લોકોએ સલામત સવારી ગણાતી એસટીનો ઉપયોગ કર્યો હતો. શનિવાર અને રવિવાર એમ 2 દિવસમાં રાજકોટ એસટી બસપોર્ટ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. રાજકોટ સહિત 14 ડેપો ઉપર ચિક્કાર ટ્રાફિક જોવા મળ્યો હતો. જેમાં અમૂક લોકો સગા- વ્હાલાને ત્યાં મકરસંક્રાંતિમાં પતંગ ઉડાવવા તો કેટલાક લોકો ફરવા માટે નીકળ્યા હતા.