દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલુ દેવુ સતત વધી રહ્યું છે ત્યારે તે હજુ પણ અન્ય ઉભરતા માર્કેટના અર્થતંત્રની તુલનાએ ઓછુ છે તેવું આરબીઆઇએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. જૂન 2024માં જીડીપીના 42.9% સાથે દેશનું ઘરેલુ દેવુ અન્ય ઉભરતા માર્કેટ કરતા પ્રમાણમાં ઓછુ છે, જો કે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમાં વધારો જોવા મળ્યો છે.
રિપોર્ટ અનુસાર વ્યક્તિદીઠ સરેરાશ દેવામાં વૃદ્ધિને બદલે લોનધારકોમાં વધારો થવાને કારણે ઘરેલુ દેવામાં વધારો થયો છે. માર્ચ 2024 સુધીમાં ઘરની કુલ નાણાકીય જવાબદારીઓમાં હાઉસિંગ સેક્ટરમાં લોન લેનારનો હિસ્સો 91% હતો. ડેટા અનુસાર વ્યક્તિઓ મુખ્યત્વે ત્રણ હેતુથી લોન લે છે, જેમાં પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડનું દેવું તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ માટેની લોન સામેલ છે. મોર્ગેજ લોન, વ્હીકલ લોન અને ટૂ-વ્હીલરની લોન તેમજ કૃષિ, બિઝનેસ અને અભ્યાસ માટેની લોન સામેલ છે.
રસપ્રદ રીતે, લોન પોર્ટફોલિયોમાં બે-તૃતીયાંશ હિસ્સો ઊંચી ક્રેડિટ ગુણવત્તા ધરાવતા લોનધારકોનો છે. જોખમ લેવાની શ્રેણીમાં પણ લોનધારકોનું વલણ અલગ અલગ હતું. કેટલાક લોનધારકોએ વપરાશના હેતુસર લોન લેવાનું પસંદ કર્યું હતું, જ્યારે અન્ય કેટલાક લોનધારકોએ ઘરની ખરીદી જેવા હેતુઓ માટે લોન લીધી હતી.