છેલ્લા એક વર્ષમાં સ્વિસ બેંકોમાં જમા ભારતીયો અને ભારતીય કંપનીઓના નાણામાં 70 ટકાનો મોટો ઘટાડો થયો છે. વર્ષ 2023માં તે ઘટીને 1.04 અબજ સ્વિસ ફ્રેંક (રૂ.9,771 કરોડ)ના ચાર વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. અગાઉ 2019માં આ આંકડો 6,625 કરોડ રૂપિયા હતો.
સેન્ટ્રલ બેંક ઓફ સ્વિટ્ઝરલેન્ડ દ્વારા ગુરુવારે રજૂ કરાયેલા વાર્ષિક અહેવાલમાં આ વાત સામે આવી છે. આ ઘટાડો મુખ્યત્વે બોન્ડ્સ, સિક્યોરિટીઝ અને ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા રાખવામાં આવેલા ભંડોળમાં ઘટાડો થવાને કારણે થયો છે. ખાસ વાત એ છે કે સ્વિસ બેંકોમાં ભારતીય ગ્રાહકોની કુલ સંપત્તિમાં સતત બીજા વર્ષે ઘટાડો થયો છે. અગાઉ 2022માં 11%નો ઘટાડો જોવા મળ્યો હતો. આ બેંકો દ્વારા સ્વિસ નેશનલ બેંક (SNB) ને જાણ કરવામાં આવેલ સત્તાવાર આંકડા છે. આમાં કાળા નાણાનો કોઈ ઉલ્લેખ નથી. ભારતીયો અથવા એનઆરઆઈએ ત્રીજા દેશની સંસ્થાઓના નામે સ્વિસ બેંકોમાં જમા કરાવેલા નાણાંની પણ કોઈ વિગતો નથી. બીજી બાજુ બેન્ક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ (BIS) એ 2023માં ભારતીયોની થાપણોમાં 25% ઘટાડો નોંધાવ્યો છે, જે હવે ઘટીને 663 કરોડ રૂપિયા બાકી છે.