એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ BBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા પર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ 3.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. EDએ તેના ત્રણ ડિરેક્ટરો પર 1.14 કરોડ રૂપિયાથી વધુનો દંડ પણ ફટકાર્યો છે. આ આદેશ ભારતીય વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ (FEMA) હેઠળ જારી કરવામાં આવ્યો હતો.
ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ, BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા 100% FDI કંપની છે. BBC એક ડિજિટલ ન્યૂઝ મીડિયા છે પરંતુ કંપનીએ 100% FDI જાળવી રાખ્યું છે. જ્યારે 2019 માં સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ હેઠળ, ડિજિટલ મીડિયામાં FDI ની મર્યાદા 26 ટકા નક્કી કરવામાં આવી હતી, જેને કંપનીએ અવગણી હતી.
ED એ 4 ઓગસ્ટ, 2023ના રોજ BBC વર્લ્ડ સર્વિસ ઈન્ડિયા, તેના ત્રણ ડિરેક્ટરો અને ફાઇનાન્સ હેડને કારણદર્શક નોટિસ જારી કરી હતી.
BBC વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા પર કુલ 3,44,48,850 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત, 15 ઓક્ટોબર, 2021 પછી FEMA 1999ની જોગવાઈઓના ઉલ્લંઘન બદલ, જ્યાં સુધી કંપની નિયમોનું પાલન ન કરે ત્યાં સુધી દરરોજ 5,000 રૂપિયાનો દંડ પણ લાદવામાં આવ્યો છે.