વડોદરાથી મોકલાયેલી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી અગરબત્તીને આજે અયોધ્યામાં પહોંચી ચૂકી છે. અગરબત્તી સલામત રીતે અયોધ્યા પહોંચતા ભક્તિમય માહોલ બન્યો હતો અને અગરબત્તીને પ્રગટાવવામાં આવી હતી. આ અગરબત્તી આગામી 45 દિવસ સુધી મંદિરમાં સુવાસ ફેલાવશે. આ અગરબત્તી બનાવવા માટે ગીર ગાયનું ઘી, ગુગળ ધૂપ, જવ, તલ સહિતની વસ્તુ ઉમેરવામાં આવી હતી. આ ઉપરાંત હવે વિશાળ અગરબત્તી પહોંચ્યા બાદ ટુંક સમયમાં 1100 કિલોનો દીવો પણ અયોધ્યા પહોંચશે.
આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવા જઈ રહ્યો છે, ત્યારે સમગ્ર પરિસર સુગંધથી મહેકી ઉઠે તે માટે વડોદરાના રામભક્ત વિહા ભરવાડે પંચદ્રવ્યનો ઉપયોગ કરી 108 ફૂટ લાંબી અને 3.5 ફૂટ પહોળી ધૂપસળી બનાવી હતી અને ગત 31 ડિસેમ્બરના રોજ વડોદરાના પાંજરાપોળ ગ્રાઉન્ડથી રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી પરશોતમ રૂપાલા, સાંસદ રંજન ભટ્ટ સહિત મોટી સંખ્યામાં ભરવાડ સમાજના આગેવાનો અને હજારો રામ ભક્તોની હાજરીમાં 108 ફૂટ અગરબત્તીનું અયોધ્યા મોકલવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને તે અગરબત્તી અયોધ્યા ખાતે પહોંચી હતી.