ચીન દ્વારા તાઇવાનને ચારે બાજુથી ઘેરવા માટે સૌથી મોટી સૈન્ય યુદ્ધ કવાયત બીજા દિવસે પણ જોરદાર રીતે જારી રહી હતી. શુક્રવારના દિવસે પીએલએની પૂર્વીય થિયેટર કમાન્ડે તાઇવાનની ચારે બાજુ લશ્કરી ડ્રીલ જારી રાખી હતી. સંયુક્ત રીતે સત્તા પર કબજો કરવા, સંયુક્ત રીતે હુમલા શરૂ કરવા અને મુખ્ય વિસ્તારો પર કબજો જમાવવાની ક્ષમતા ચકાસવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
દક્ષિણ ચીન સાગરમાં ચીનના આ પ્રકારના પગલાંથી દુનિયાભરમાં ચિંતા વધી ગઇ છે. નિષ્ણાતોનું કહેવું છે કે પહેલાંથી જ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ જારી છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે પણ યુદ્ધ જારી છે. દુનિયા પર વધુ એક સંઘર્ષનો ખતરો તોળાઇ રહ્યો છે. યુક્રેન યુદ્ધના કારણે યુરોપ અને ગાઝામાં યુદ્ધના કારણે મધ્યપૂર્વ બાદ હવે એશિયામાં અશાંતિ સર્જાવા માટેની દહેશત ફેલાઇ ગઇ છે.
ચીન અને તાઇવાનને અલગ કરનાર તાઇવાનના જલડમરુ મધ્યમાં બે દિવસીય યુદ્ધ અભ્યાસની કવાયત ગુરુવારના દિવસે શરૂ થઇ હતી. પ્રથમ વખત આ લશ્કરી ડ્રીલમાં કોસ્ટગાર્ડને સામેલ કરવાનો નિર્ણય કરાયો છે. જે ચીનના દક્ષિણમાં સ્થિત કિનમેન, માત્સુ, વકીઉ અને ડોંગચીન દ્વીપમાં તહેનાત છે. ગુરુવારના દિવસે સવારે છ વાગ્યાથી શુક્રવારે સવારે છ વાગ્યા સુધી ચીનનાં 49 વિમાનોએ મધ્ય સરહદી લાઇનને પાર કરી હતી. ચીને 19 જહાજો , કોસ્ટગાર્ડનાં 7 વિમાનોને જોયાં છે.