સસ્તું સોનુ ખરીદવાની લાલચ રાજસ્થાનના એગ્રોના વેપારીને ભારે પડી છે. વેપારી બજાર કિંમત કરતા 25 ટકા ઓછી કિંમતે સોનુ ખરીદવા ભુજ સુધી આવી પહોંચ્યા અને તેઓ લૂંટારૂઓનો શિકાર બની ગયા હતા. થોડા સમય પૂર્વે બનેલી આ ઘટનામાં લૂંટારૂઓએ વેપારીને સસ્તુ સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી ત્યારબાદ અલગ અલગ જગ્યાએ લઈ જઈ બાદમાં છરીની અણીએ રૂપિયા સાત લાખની લૂંટ ચલાવી હતી. જેની ફરિયાદ નોંધાતા ગઈકાલે રાજકોટ શહેર SOG પોલીસે ચોક્કસ બાતમીના આધારે ચાર લૂંટારૂઓને 2.35 લાખની રોકડ તેમજ ક્રેટા ગાડી સહિત કુલ 14.61 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે વોચ ગોઠવી આરોપીઓને ઝડપ્યા
ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 9 જાન્યુઆરીના રોજ સસ્તું સોનુ આપવાની લાલચ આપી રાજસ્થાનના વેપારીને ભુજ બોલાવી છરીની અણીએ રૂપિયા 7 લાખની લૂંટ થયાની નોંધાયેલ ફરિયાદમાં આરોપીઓ નાસતા ફરતા હોવાની માહિતી મળતા રાજકોટ શહેર SOG પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસ કર્મચારી ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ અને હાર્દિકસિંહ પરમારને ચોક્કસ બાતમી મળી હતી કે, ભુજ ખાતે નોંધાયેલી લૂંટના ગુનાના આરોપીઓ રાજકોટ નજીક આવી રહ્યા છે. જેથી વોચ ગોઠવી તેમને અટકાવી પૂછપરછ કરતા ચાર લૂંટારૂઓ રમજાનશા શેખ, અમનશા શેખ, અલીશા શેખ અને ઇશભશા શેખ મળી આવ્યા હતા. પોલીસે તલાસી લેતા આરોપીઓ પાસેથી કુલ 2.35 લાખ રોકડ તેમજ મોબાઈલ ફોન અને ક્રેટા ગાડી સહિત કુલ 14.61 લાખનો મુદામાલ મળી આવતા તે કબ્જે કરી આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અલગ અલગ જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવી
પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા તેમને કબૂલાત આપી હતી કે, તેમના દ્વારા રાજસ્થાનના વેપારીને સસ્તું સોનુ આપવા બહાને ભુજ બોલાવી ત્યારબાદ રેલવે સ્ટેશન ખાતેથી અલગ અલગ જગ્યાએ લઈ જઈ બાદમાં વેપારીને છરી બતાવી રૂપિયા 7 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપીઓ પૈકી અમનશા શેખ વિરૂદ્ધ 5, અલીશા શેખ વિરૂદ્ધ 4 અને રમજાનશા શેખ વિરૂદ્ધ 2 ગુના અગાઉ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે