રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર કેદારનાથ સોસાયટીના ગેટ પાસે પિતૃકૃપા પાન એન્ડ કોલડ્રિન્કસ નામની દુકાન પાસે વર્ષ 2018માં મુકેશ મોહન વાળા (ઉં.વ.46)ની હત્યા થઈ હતી. જે કેસ રાજકોટ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આરોપી વિશાલ કાળુ ચૌહાણનો નિર્દોષ છુટકારો થયો છે.
હત્યાની ઘટના CCTVમાં કેદ થઈ હતી
કેસની વિગત મુજબ ગત તા.12.03.2018ના રોજ મૃતક મુકેશના પત્ની ફરિયાદી અમિતાબેનએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પતિ મુકેશ આરોપી વિશાલના મોટાબાપુની દીકરી સાથે લીવઈન રિલેશનશીપનો કરાર કરી તેને ભગાડી લઈ જઈ તેની સાથે રહેતો હતો. જે બાબતનો ખાર રાખી આરોપીએ મુકેશને છાતીના અંશ પડખાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. જે સમગ્ર બનાવ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ ગયો હતો. જેના આધારે ભક્તિનગર પોલીસે આરોપી વિશાલની ધરપકડ કરી હતી.
કોર્ટે આરોપીને છોડી મુકવા હુકમ કર્યો
કોર્ટમાં ચાર્જશીટ થતા કેસ ચાલતા આરોપીના વકીલ અંશ ભારદ્વાજે દલીલ કરી હતી કે, ફરિયાદપક્ષ આરોપી વિરુદ્ધ કેસ નિ:શંકપણે પુરવાર કરી શકેલ નથી. ફરિયાદપક્ષના પુરાવાઓના મુલ્યાંકનની ચર્ચા જોતા ફલીત થાય છે. જેથી ફરિયાદપક્ષ તરફથી આંક-12થી ફરમાવવામાં આવેલ ચાર્જસીટ મુજબના આક્ષેપો ફરિયાદપક્ષ આરોપી વિરુદ્ધ નિ:શંકપણે પુરવાર કરી શકેલ નથી. સાથે વિવિધ ચુકાદા ટાંક્યા હતા. જે ધ્યાને લઇ એડિશનલ સેશન્સ જજ જે.આઈ.પટેલે આરોપી વિશાલને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવ્યો હતો.