થાઇલેન્ડમાં ફુકેત એરપોર્ટ પર ભારતીય યાત્રીને ગુલાબ જાંબુ લઈ જવા પર ના પાડી હતી. યાત્રીએ એને ડસ્ટબિનમાં નાખવાને બદલે સ્ટાફની સામે ડબ્બો ખોલી નાખ્યો હતો અને ગુલાબ જાંબુ ખાવાનોન આગ્રહ કર્યો હતો. મીઠાઈ ખાઈને બધા ખુશ થઈ ગયા. આનો એક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે યાત્રી સ્ટાફને ગુલાબ જાંબુ ખવડાવી રહ્યો છે. પહેલા મેલ સ્ટાફ ડબ્બામાંથી ગુલાબ જાંબુ કાઢે છે અને ખાય છે. પછી ફીમેલ સ્ટાફ તરફ ડબ્બો જાય છે. જોકે એ પહેલાં થોડું વિચારે છે, પછી ગુલાબ જાંબુ કાઢીને ખાય છે.
આ કિસ્સો થાઈલેન્ડના ફુકેત એરપોર્ટનો છે. જ્યારે સ્ટાફે ભારતીય યાત્રી હિમાંશુ દેવગણને સામાનમાં ગુલાબ જાંબુનો ડબ્બો લઈ જવા માટે પરવાનગી આપી ન હતી, ત્યાર બાદ તેણે એને ફેંકવાને બદલે વહેંચવાનો નિર્ણય લીધો હતો. હિમાંશુએ પોતે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. કેપ્શનનાં લખ્યું કે એરપોર્ટ સિક્યોરિટીએ ચેકિંગ દરમિયાન ગુલાબ જાંબુ લઈ જવાની મંજૂરી ન આપી, ત્યારે અમે પોતાની ખુશીને સ્ટાફની સાથે શેર કરવાનું નક્કી કર્યું.