રાજકોટના રિલાયન્સ મોલ ખાતે ગત તા.8-8-2015ના રોજ પિતા અને દાદા સાથે ખરીદી માટે ગયેલી 2 વર્ષની બાળકીને કચડી નાખનાર કારચાલક સામેનો કેસ ચાલી જતા અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી 1 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.
આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી મિથુન હર્ષવર્ધનભાઇ જોશી ગત તા.8-8-2015ના રોજ તેમના પિતા હર્ષવર્ધનભાઇ વસંતરાય જોશી અને બે વર્ષની પુત્રી ચિત્રાને લઇને રિલાયન્સ મોલમાં ગયા હતા અને પિતા તથા પુત્રી ચિત્રાને ઉતારી પોતાની ગાડી પાર્ક કરવા ગયા હતા ત્યારે આરોપી ભરત દેવજી વેકરિયા (રે.દેવ, બ્લોક નં.6, સનસાઇન સોસાયટી શેરી નં.2, આસ્થા રેસિડેન્સી, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ)એ પોતાની સ્વિફટ કાર નં.જીજે-03 ડી.એન.6125 બેફિકરાઇથી ચલાવી ફરિયાદીની પુત્રી ચિત્રાને અડફેટે લઇ ચગદી નાખતા મોત નીપજ્યું હતું.
આથી ફરિયાદીએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં આરોપી ભરત દેવજી વેકરિયા સામે ગુનો નોંધાવ્યો હતો. આ કેસ ચાલી જતા ફરિયાદ પક્ષના એ.પી.પી. આર.એન.ગોસાઇએ કરેલી દલીલો, રજૂ કરેલા પુરાવા ધ્યાને લઇ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કીર્તિકુમાર મનોજકુમાર ગોહેલે આરોપીને તકસીરવાન ઠરાવીને ઇપીકો કલમ-279ના ગુનામાં 3 માસની સાદી કેદ અને રૂ.500 દંડ તથા દંડ ન ભરે તો વધુ 7 દિવસની સાદી કેદ, આઇપીસી કલમ-304(અ)ના ગુનામાં 1 વર્ષની સાદી કેદ તથા રૂ.1 હજારનો દંડનો હુકમ કર્યો હતો.